પાકિસ્તાનમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધી મતપેટીઓમાંથી પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકોની એકતરફી જીતનાં પરિણામો આવી રહ્યાં હતાં. આ જોઈને પાક સેના અને નવાઝ શરીફ કેમ્પમાં ધરતીકંપ સર્જાયો હતો. નવાઝ શરીફ પોતે લાહોરમાં ઇમરાન ખાનના સમર્થક ઉમેદવાર સામે પછડાટ ખાતા જોવા મળ્યા હતા. અને આ જ સ્થિતિ તેમના પક્ષના મોટા ભાગના નેતાઓની હતી. ઇસ્લામાબાદમાં પીએમએલએનની કચેરીમાં ટીવી પર ચૂંટણીનાં પરિણામો જોઈને નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ ઘરે જતાં રહ્યાં હતાં. ત્યાર પછી સેનાએ ચૂંટણીપંચનું સુકાન સંભાળી લીધું હતું.
નવાઝના નાના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શહબાઝ શરીફ પણ સેનાની વડી કચેરીએ દોડી ગયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી સિકંદર સુલ્તાનને રાત્રે 11 વાગ્યે એક કૉલ આવ્યો અને તેઓ પણ આઇએસઆઇના બ્રિગેડિયર નાસિર પાસે સેનાની વડી કચેરીએ પહોંચ્યા હતા. સેનાનો ઓર્ડર લઈને ચૂંટણી અધિકારી ફરીથી કચેરીએ પહોંચ્યા અને 8 કલાક સુધી ગણતરી અટકાવી દીધી હતી. બીજી તરફ સેનાની વડી કચેરીમાં અન્ય એક મીટિંગમાં નવાઝને લાહોરથી જીતાડવાની શહબાઝને ખાતરી અપાઈ હતી. આ આશ્વાસન પછી શહબાઝ પરત ફર્યા હતા. આ બે મોટી ગુપ્ત બેઠકે પાસાં પલટી નાખ્યાં અને 8 કલાક દરમિયાન બેલેટ બદલી દેવાયાં હતાં. સવારે 7 વાગ્યા સુધી શરીફ અને તેમનો પક્ષ રેસમાં આવી ગયા હતા.
ઇમરાન સમર્થકોને કાઉન્ટિંગ બૂથો પરથી પોલીસની ગાડીમાં લઈ જવાયા મુખ્ય ચૂંટણી અધિકારીએ મતોની ગણતરીમાં ગોટાળાની જવાબદારી રિટર્નિંગ ઑફિસરોને સોંપી. બેલેટ બદલતાં પહેલાં કાઉન્ટિંગ બૂથો પરથી ઇમરાનની પાર્ટી પીટીઆઇના લોકોને પોલીસની ગાડીઓમાં ભરીને બળજબરીથી ઉઠાવી જવાયા હતા. કેટલાંક સ્થળે જરદારીની પીપીપીના કાર્યકરોને પણ આ રીતે બૂથોમાંથી હાંકી કઢાયા હતા.
આ આર્મીનો પ્લાન-બી હતો, કારણ કે ઇમરાન સમર્થકોએ બમ્પર મતદાન કર્યું હતું. સેનાને અંદેશો હતો કે ઇમરાનની પાર્ટીની માન્યતા રદ થવાથી લોકો તેમના ઉમેદવારોને ઓછા મત આપશે પરંતુ ઇમરાનના સમર્થકોના પક્ષમાં બમ્પર મતદાન થવાથી આર્મીએ બેલેટ બદલવાનો પ્લાન-બી અજમાવવો પડ્યો. તેમાં આર્મી હજી સુધી સફળ રહી છે.
મતગણતરી ચાલુ… સેનાના અથાક પ્રયત્નો પછી પણ ઇમરાન સમર્થક અપક્ષ ઉમેદવાર રેસમાં આગળ
પાકિસ્તાનમાં મતગણતરીના બીજા દિવસે શુક્રવારે પણ ઇમરાન સમર્થક અપક્ષ ઉમેદવારનો ઘોડો ચૂંટણીની રેસમાં આગળ દોડી રહ્યો છે. નેશનલ એસેમ્બલીની 265 બેઠકમાંથી ઇમરાન સમર્થક અપક્ષ ઉમેદવારો 62 બેઠક જીતી ગયા છે. પીએમએલએન 46 બેઠક જીતીને બીજા ક્રમે છે. બંને પક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાગોરની બેઠક જીતી ગયા છે પરંતુ મનસેરા બેઠક પરથી ઇમરાન સમર્થક ઉમેદવાર સામે હારી ગયા છે. નવાઝની પુત્રી મરિયામ લાહોર બેઠક પરથી ચૂંટણી જીતી ગઈ છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફીઝ સઇદના પુત્ર તલહા સઈદને ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.
પીટીઆઇનો દાવો-‘રાત્રે અમારા લોકો જીતી રહ્યા હતા, સવારે પરિણામ ફેરવી નખાયું’
અમારા પક્ષના ઉમેદવાર રાત્રે જીત તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ સવાર પડતાં અમારા અનેક ઉમેદવારોને પરાજિત જાહેર કરાયા. ચૂંટણીલક્ષી ગોટાળા છતાં અમે પીછેહઠ નહીં કરીએ. અમને 150થી વધુ બેઠક મળશે. ચૂંટણીમાં ગરબડના તમામ પેંતરા અજમાવ્યા પછી પણ અમને દબાવી નહીં શકાય. અમે રસ્તા પર અને કોર્ટમાં લડીશું. અમારા કાર્યકરોને ડરાવાયા-ધમકાવાયા છે.