રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે ધર્મપરિવર્તન કરાવવાનો મોટો બનાવ બન્યો છે. અહીંની એક હોટલમાં લગભગ ૫૦૦ લોકોનું એકસાથે ધર્મપરિવર્તન કરાઈ રહ્યું હતું પરંતુ આની જાણ થઈ જતાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોટલ પર પહોંચી ગયા હતા અને ધર્મપરિવર્તન અટકાવી દીધું હતું. આ દરમિયાન ત્યાં હોબાળો થઈ ગયો હતો અને જોતજોતાંમાં મારામારી થવા લાગી હતી. ત્યાર બાદ લોકો હોટલ છોડીને ભાગવા લાગ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.ધર્મપરિવર્તનનો આ મામલો રવિવારે ભરતપુર જિલ્લાના શહેર અટલ બંધ થાના વિસ્તારમાં બન્યો હતો. અહીં એક હોટલમાં ધર્મપરિવર્તન કરાવાતું હતું. ઘટનાસ્થળે પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનો આરોપ છે કે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા સત્સંગના માધ્યમથી ધર્મપરિવર્તન કરાવાઈ રહ્યું હતું. જેમાં અંદાજે ૫૦૦ થી વધારે મહિલાઓ અને યુવતીઓ સામેલ હતાં. વિશ્વ હિન્દુ પરિષદના લોકો જયારે હોટલ પર પહોંચ્યા ત્યારે તેમને જોતાંની સાથે અફરાતફરી થઈ ગઈ હતી. ધર્મ પરિવર્તન કરાવી રહેલા લોકો સ્થળ છોડીને ભાગવા લાગ્યા હતા. જોકે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ દોડીને ૧૦ કરતાં વધારે લોકોને પકડી લીધા હતા. આ કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને આયોજકો વચ્ચે મારામારી થઈ ગઈ હતી, જેમાં બંને પક્ષે એકબીજાને માર માર્યો હતો.
૨૦ સ્થળોએ ધર્મપરિવર્તન થતું હોવાના ખબર
ધર્મપરિવર્તનના હોબાળાની માહિતી મળતા પોલીસ હથિયાર અને ટિયર ગેસના સેલ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પાંચથી વધારે લોકોની અટકાયત કરી હતી, જ્યારે પાંચથી સાત મહિલા, યુવતીઓની ધરપકડ કરી હતી. એવી એક માહિતી સામે આવી છે કે રવિવારે ૨૦ સ્થળોએ ધર્મપરિવર્તનનું કાર્ય કરાઈ રહ્યું હતું.
આયોજક યુવતીઓ ભાગી ગઈ
વિશ્વ હિન્દુ પરિષદના લોકોને ધર્મપરિવર્તનની માહિતી સમયસર મળી જતાં તેઓ હોટલ પર પહોંચી ગયા હતા. ત્યાં સત્સંગમાં ઈશા મસીહનાં ગુણગાન ગાતી 10થી વધારે યુવતીઓ હોબાળા બાદ ભાગી ગઈ હતી. જોકે, પોલીસે તેમને પકડવા પીછો કર્યો હતો પણ તેઓ ભાગવામાં સફળ રહી હતી.