નવાઝ, મરિયમની જીતને લાહોર હાઇકોર્ટમાં પડકારાઇ પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણીમાં પીએમએલ-એનના સુપ્રીમો નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝે લાહોરની બે બેઠકો પરથી મેળવેલી જીતને ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇનું સમર્થન ધરાવતા કેટલાક હારેલા ઉમેદવારોએ લાહોર હાઇકોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચે નવાઝ અને મરિયમને ફોર્મ-૪૫ના બદલે બોગસ ફોર્મ-૪૭ ઉપર વિજેતા જાહેર કર્યા છે.
ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના આરોપો સાથે ઇમરાન ખાનના પક્ષ પીટીઆઈના સમર્થકો સડકો પર ઊતરી આવ્યા
અગાઉથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પડોશી દેશ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી બાદ પરિસ્થિતિ સામાન્ય થવાની થોડી આશા રાખવામાં આવતી હતી પણ રવિવારે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયાં બાદ આ દેશનું રાજકીય વાતાવરણ પણ ખરાબ રીતે ડહોળાઇ ગયું છે. રવિવારે ચૂંટણી પંચ દ્વારા પરિણામો જાહેર કરાયા હતાં જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. જો કે આ દરમિયાન રવિવારે મોડેથી પાકિસ્તાન ચૂંટણી પંચ દ્વારા જે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં તે અચાનક ગાયબ થઇ ગયાં હતાં અને તે પછી પાકિસ્તાન ચૂંટણી પંચની વેબસાઇટ પણ બંધ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામોમાં ભારે ગેરરીતી આચરાઈ હોવાના આરોપો લગાવતાં ભૂતપુર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના સમર્થકો વિરોધ પ્રદર્શન સાથે સડકો પર ઊતરી આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર લાહોર, રાવલપિંડી, પેશાવરમાં પીટીઆઈના સમર્થકો અને પોલીસ વચ્ચે સીધું ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓ પર અશ્રુવાયુ છોડવા સાથે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો છે.
ઈમરાનને સૌથી વધારે બેઠક છતાં નવાઝનો પક્ષ લીડર
આ અગાઉ, પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોને ચૂંટણી પંચે જાહેર કરી દીધા હતાં. રવિવારે ૨૬૫ બેઠકોમાંથી ૨૬૪ના પરિણામો જાહેર કરાયા છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ૧૦૧ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી પંચ અનુસાર સામાન્ય ચૂંટણીમાં સૌથી વધારે વિજય અપક્ષ ઉમેદવારોએ મેળવ્યો છે. જ્યારે ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને ૭૫ બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે. આમ ટેકનિકલ રીતે PML-N સંસદમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે. બિલાવલ ઝરદારી ભુટ્ટોના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આ ચૂંટણીમાં ૫૪ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. ૧૭ બેઠક પર એમક્યુએમ-પીએ વિજય મેળવ્યો છે.
પાકિસ્તાનમાં ગઠબંધન સરકારની સંભાવના
આ સાથે હવે પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર બનાવવાનું લગભગ નક્કી થઇ ગયું છે. શનિવારે પાકિસ્તાન સેનાના વડા જનરલ અસીમ મુનીરે નવાઝ શરીફને ગઠબંધન સરકાર બનાવવાનો આગ્રહ કર્યો. આ ઉપરાંત કાર્યકાલીન વડાપ્રધાન અનવર ઉલ હક કાકડે પણ ગઠબંધન સરકારની રચના થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.