વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણામાં કુલ ૨૬૭૫૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજસ્થાનમાં કુલ ૧૭૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમમાં સંબોધન કરશે.
ત્યારબાદ વડાપ્રધાન મોદી હરિયાણામાં રેવારીની મુલાકાત લેશે અને ત્યાં ટ્રાન્સપોર્ટ, આરોગ્ય, રેલવે અને ટુરિઝમ સેક્ટરના કુલ ૯૭૫૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
રાજસ્થાનમાં વડાપ્રધાન હસ્તે રોડ, રેલવે, સૂર્ય ઉર્જા, પાવર ટ્રાન્સમિશન, પીવાનું પાણી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા સેક્ટરના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાયન્સ કરવામાં આવશે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં ૫૩૦૦ કરોડ રૂપિયાના સોલર પ્રોજેક્ટ અને જળ જીવન મિશન હેઠળ ૨૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ કરશે.
હરિયાણાના રેવારીમાં ૫૪૫૦ કરોડ રૂપિયાના ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રેવારીમાં ૧૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)નો શિલાન્યાસ કરશે. આ એઇમ્સ ૨૦૩ એકર જમીનમાં બનાવવામાં આવશે. જેમાં ૧૦૦ બેઠકોની મેડિકલ કોલેજ અને ૬૦ બેઠકોની નર્સિંગ કોલેજ પણ હશે.