ભાવિકોની ભાવલાગણી સાથે શ્રી ગુરુ આશ્રમ બગદાણાનાં મોભી મનજીબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. આ વેળાએ ધર્મજગતના મુક્તાનંદબાપુ, કણિરામબાપુ, રમજુબાપુ, આત્માનંદ સરસ્વતીજી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, નારણભાઈ કાછડિયા સહિત અગ્રણીઓએ અંતિમ સંસ્કાર દરમિયાન અંજલિ અર્પી છે.
ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવરૂપ રહેલ બજરંગદાસબાપુના કૃપા પાત્ર શ્રી મનજીબાપાનો દેહવિલય થતાં સમગ્ર પંથક અને સેવકોમાં દુઃખની લાગણી થઈ છે.
સુરત નિવાસસ્થાને મંગળવાર રાત્રીના સમયે મનજીબાપાના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસર્યા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
મનજીબાપાના પાર્થિવ દેહને સુરતથી બગદાણા લાવવામાં આવેલ જ્યાં બુધવાર તથા આજ ગુરુવાર દરમિયાન ભાવિકોને દર્શન હેતુ રખાયાં બાદ બપોરના સમયે અંતિમ યાત્રા નીકળી હતી.
બગદાણામાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ભાવિક સેવકોની મોટી સંખ્યા રહી હતી અને ભાવભરી આંખો સાથે અંતિમ સંસ્કાર થયા છે. ગુરૂ આશ્રમ બગદાણાનાં મોભી રહેલા મનજીબાપાનો દેહ ‘બાપા સીતારામ’ નાદ અને પુત્ર જનકભાઈ કાછડિયા અને પરિવાર દ્વારા મુખાગ્નિ શાસ્ત્રોક્ત વિધિ સાથે પંચમહાભૂતમાં વિલીન થયો છે.
મનજીબાપાને ધર્મજગતના મુક્તાનંદબાપુ, કણિરામબાપુ, રમજુબાપુ, આત્માનંદ સરસ્વતીજી, વિશ્વાનંદ માતાજી, રમેશભાઈ શુક્લ, વિષ્ણુબાપુ દાણીધારિયા સહિત સંતો, વક્તાઓ અને ધર્મપ્રેમીઓ આ વિધિમાં જોડાયા હતા.
અહી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, નારણભાઈ કાછડિયા, હરુભાઈ ગોંડલિયા તેમજ પંથકના અગ્રણીઓ દ્વારા ભાવ અંજલિ આપવામાં આવી હતી.
ગુરૂઆશ્રમનાં યોગેશભાઈ સાગર સાથે સેવક કાર્યકર્તાઓ ભાવિકોને મનજીબાપાના અંતિમ દર્શન હેતુ સંકલનમાં રહ્યા હતા.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)