દૂરદર્શન પર વર્ષ 1989-1991 દરમિયાન રિલીઝ થયેલી અત્યંત લોકપ્રિય ટીવી સિરીયલ ‘ઉડાન’થી ઘર ઘરમાં જાણીતું નામ બનેલી અને એક જાહેરાતમાં ‘લલિતાજી’ તરીકે પ્રખ્યાત અભિનેત્રી કવિતા ચૌધરીનું ગુરૂવારે હદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેમને કેન્સરની બીમારી પણ હતી. તેમના ભત્રીજાના કહેવા પ્રમાણે, જીવનના અંતિમ દિવસો કવિતા ચૌધરીએ અમૃતસરમાં પસાર કર્યા હતા. ગુરુવારે અમૃતસરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે
67 વર્ષીય કવિતા ચૌધરી અભિનેત્રી, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતી. 1989માં દૂરદર્શન પર પ્રસારિત થયેલા શો ‘ઉડાન’માં આઈપીએસ કલ્યાણી સિંહની ભૂમિકા અદા કરીને ખૂબ પ્રશંસા મેળવી હતી. આ ઉપરાંત તેમણે એક ડિટર્જન્ટ બ્રાન્ડની જાહેરાતમાં ગૃહિણી લલિતાજીની કરેલી ભૂમિકા પણ દર્શકોને ગમી હતી. તેઓ દૂરદર્શનના શો ‘યોર ઓનર’ અને ‘આઇપીએસ ડાયરીઝ’(હોસ્ટ તરીકે)માં પણ જોવા મળી હતી. કવિતા ચૌધરી દેશની દ્વિતીય મહિલા આઇપીએસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યની બહેન હતી. ઉડાન સિરીયલ કંચન ચૌધરીનાં જીવન પર આધારિત હતી. સમીક્ષકો અને પ્રશંસકો દ્વારા ખૂબ વખણાયેલી આ સિરીયલે મહિલાઓની એક પેઢીને પોલિસ ફોર્મમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. કોવિડ મહામારી દરમિયાન આ સિરીયલને પુનઃ પ્રસારિત કરવામાં આપી હતી.
અભિનેતા અનંગ દેસાઈએ કહ્યું કે, મને આજે સવારે ખબર પડી કે કવિતા ચૌધરી હવે નથી રહ્યાં. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અમારા બેચમેટ હતા. અમે એનએસડીમાં ત્રણ વર્ષ સુધી સાથે અભ્યાસ કર્યો હતો. કવિતા, હું, સતીશ કૌશિક, અનુપમ ખેર, ગોવિંદ નામદેવ તમામ એક જ બેચમાં હતા.