લોકશાહી સૂચકાંકમાં પાકિસ્તાન ખૂબ જ પાછળ સરકીને સરમુખત્યાર શાસનની કક્ષામાં પહોંચી ગયું છે. લોકશાહી સૂચકાંકમાં ચીન તો પાકિસ્તાન કરતાં પણ પાછલા ક્રમે પહોંચી ગયું છે. સૂચકાંક યાદીમાં સામેલ ૧૬૭ દેશોમાં ભારત ૪૧મી રેન્ક સાથે ખામીઓથી ભરેલા લોકશાહી દેશની કક્ષામાં સામેલ છે.
બ્રિટિશ સમાચારપત્ર ધ ઈકોનોમિસ્ટના સંશોધન અભ્યાસ એકમ ઇકોનોમિક ઇન્ટેલિજન્સે શુક્રવારે વિશ્વના લોકશાહી દેશો સંબંધે પોતાનો વાર્ષિક ડેમોક્રેસી ઈન્ડેક્સ પેશ કર્યો હતો. અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૬માં જ્યારે આ અહેવાલ તૈયાર કરવાની શરૂઆત થઇ હતી, ત્યારે વિશ્વ સ્તરે લોકશાહીનું સ્તર ખૂબ જ નીચું હતું.
વિશ્વની માત્ર ૮ ટકા વસતી જ એવા દેશોમાં વસે છે કે જ્યાં પૂર્ણ લોકશાહી છે. વિશ્વની ૪૦ ટકા વસતી તો સરમુખત્યારશાહી શાસન ધરાવતા દેશોમાં વસે છે. અહેવાલમાં વિશ્વના ૧૬૭ દેશોને પૂર્ણ લોકશાહી, ખામીયુક્ત લોકશાહી, સરમુખત્યારી શાસન અને હાઈ બ્રિડ (ના લોકશાહી ના સરમુખત્યારશાહી) એમ ચાર જૂથમાં વહેંચવામાં આવ્યા છે.
પાક. સૂચકાંકમાં ૧૧ સ્થાન પાછળ સરક્યું
લોકશાહી સૂચકાંકમાં ગયા વર્ષ (૨૦૨૨)ના રેન્કિંગને મુકાબલે પાકિસ્તાન આ વર્ષે ૨૦૨૩ની યાદીમાં ૧૧ સ્થાન પાછળ સરકીને ૧૧૮મા સ્થાને પહોંચી ગયું છે. પોતાને વિશ્વના પાંચમા ક્રમના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે જાહેર કરતું રહેતું પાકિસ્તાન ૩.૨૫ સ્કોર ધરાવે છે. ચીન ૨.૧૨ના સ્કોર સાથે ૧૪૮મા ક્રમે છે. આ સ્કોર ધરાવનાર દેશ સરમુખત્યાર શાસનની કક્ષામાં આવી જાય છે. જ્યારે ભારત ૭.૮ સ્કોર સાથે યાદીમાં ૪૧મા સ્થાને છે.
ભારતના સ્કોરમાં સતત વધારો
વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા પછી અનેકવાર લોકશાહીના ધોવાણના આક્ષેપ થતા રહ્યા છે. પરંતુ વર્ષ ૨૦૧૯ પછી ડેમોક્રસી ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર સતત વધતો રહ્યો છે. ગયા વર્ષને મુકાબલે પાંચ પોઇન્ટના સુધારા સાથે ભારત યાદીમાં ૪૧મા સ્થાને પહોંચ્યું છે. ભારત ખામીથી ભરેલા લોકશાહી દેશની કક્ષામાં આવે છે. યાદીમાં નોર્વે સૌથી મોખરે. ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને, આઇસલેન્ડ ત્રીજા સ્થાને તો સ્વીડન ચોથા ક્રમે છે.