યુદ્ધના કારણે છેલ્લા બે વર્ષથી આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન પોતાના નવા પ્રેમ પ્રકરણના કારણે ન્યૂઝમાં છે. બ્રિટીશ મીડિયાએ યૂક્રેનના હવાલાથી એવા સમાચારો વહેતા કર્યા છે કે, પુટિન વધુ એક યુવતીના પ્રેમમાં પડયા છે. પુટિનના અનેક જાહેર અને ખાનગી લવ અફેર સમયે સમયે ખૂબ ચર્ચાયા છે પણ અત્યારે યુદ્ધના કારણે આ ખબરે હલયલ મચાવી છે. રશિયા બે વર્ષથી યુદ્ધમાં જોતરાયેલું છે. રશિયાના લાખો સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે. સૈનિકોની વિધવાઓ અને પરિવારજનો હજુ શોકમાંથી બહાર આવ્યા નથી ત્યારે પ્રેસિડેન્ટ પુટિન રંગરેલીયા મનાવી રહ્યા છે એ સવાલ ઉઠવા લાગ્યો છે. વ્લાદીમિર પુટિનના કટ્ટર વિરોધી એલેક્સી નવેલનીનું થોડા દિવસ અગાઉ જેલમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું એલેક્સી નવેલનીની પત્ની યૂલિયા નવેલનાયાએ કર્યુ છે કે, મારા પતિની હત્યા કરવામાં આવી છે. અત્યાર સુધી લોપ્રોફાઇલ રહેનારી યૂલિયા હવે પુટિન સામે મેદાનમાં ઉતરી છે અને પુટિન સામે આંગળી ચિંધી રહી છે. પુટિન સામે દેશ અને દુનિયામાં નારાજગી વધી રહી છે ત્યારે જ તેનું નવું પ્રેમ પ્રકરણ બહાર આવતા હલચલ મચી છે. આ કિસ્સામાં પુટિનના સમર્થકો એવું કહી રહ્યા છે કે, પુટિનને બદનામ કરવા માટે અને તેનું મોરલ ડાઉન કરવા માટે જાણી જોઈને તેમના અફેરની વાત ઉડાવવામાં આવી છે. જો કે, પુટિનના રંગીન મિજાજથી જે લોકો વાકેક છે એ એવું કહે છે કે, પુટિનના કિસ્સામાં કંઇ પણ શક્ય છે પુટિનના પહેલા મેરેજ અને અનેક અફેર કાયમ ચર્ચામાં રહ્યા છે. પુટિનના બીજા તો ઘણા લફરાં છે પણ ઓલિમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ જિમનાસ્ટ અલિના કાબાઇવા સાથેના તેના સંબંધો તો જગજાહેર છે. પુટિનથી અલિનાને એક ટ્વિન્સ સહિત ત્રણ બાળકો હોવાનું પણ કહેવામાં આવે છે. પુટિનના નવા પ્રેમ પ્રકરણના કારણે જૂના કિસ્સાઓ પણ ફરીથી ચર્ચાવા લાગ્યા છે.
પુટિનની નવી પ્રેમિકાનું નામ એકાતેરિના કાત્યા મિજુલિના છે. પુટિન 71 વર્ષના છે. એકાતેરિના 39 વર્ષની છે. મતલબ કે, પુટિનની આ પ્રેમિકા તેનાથી 32 વર્ષ નાની છે. એકાતેરિનાએ લંડનમાં આર્ટ હિસ્ટ્રી અને ઇન્ડોનેશિયન લેન્ગવેજમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે રશિયન સરકારમાં ટ્રાન્સલેટર તરીકે જોડાઇ હતી. રશિયન પ્રતિનિધિમંડળની યીન મુલાકાત દરમિયાન એકાતેરિનાએ દુભાષિયાની ફરજ બજાવી હતી સરકારી કાર્યક્રમોમાં જ પુટિનની નજર તેના પર પડી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. પુટિનની પ્રકૃતિ અને ગમા-અણગમાનો અભ્યાસ કરનાર નિષ્ણાતો એવું કહે છે કે, પુટિનને એકાતેરિનાનો ચહેરો ગમે છે. અગાઉ પણ તેમની નજીક જે સ્ત્રીઓ રહી છે તેના ચહેરા સાથે એકાતેરિનાનો કેસ ઘણો બધો સરખો છે અત્યારે એકાતેરિના પટિનની વિરોધમાં સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટ પર નજર રાખે છે અને તેને સેન્સર કરે છે.
યૂક્રેન યુદ્ધ બાદ પુટિન વિશે સોશિયલ મીડિયામાં સાચી ખોટી ઘણી વાતો ફેલાતી રહે છે. પુટિન બદનામ થાય એવી પોસ્ટ સામે એકાતેરિના પગલાં લે છે અને તેને ડિલિટ કરાવે છે પુટિનના વિરોધીઓનું લિસ્ટ પણ તે બનાવતી હોવાનું કહેવાય છે પુટિનની ઇમેજ માટે કામ કરતી એકાતેરિના જ અત્યારે તેની બદનામીનું કારણ બની છે. લોકો મજાકમાં કહે છે કે, પુટિનની સોશિયલ મીડિયા પોસ્ટ તો તું અટકાવતી હતી, હવે તારી પોસ્ટ્સ કોણ રોકશે?
પુટિનની ઘણી સિક્રેટ પ્રેમિકાઓ હોવાનું માનવામાં આવે છે. ઘણી પ્રેમિકાઓ તો પુટિનના સંતાનની માતા પણ છે. પુટિનની પર્સનલ લાઇફમાં સૌથી વધુ ચર્ચા પુટિનના અલિના કાબાઈલા સાથેના સંબંધોની છે. અલિના રશિયાની જાણીતી ખેલાડી છે. જિમ્નેશિયમમાં તેને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ મળ્યા છે. અત્યંત સુંદર અલિનાના પ્રેમમાં પુટિન પણ પાગલ હતા એવું કહેવાતું રહ્યું છે. પુટિનથી અલિનાને ટ્વિન્સ દીકરા અને એક દીકરી એમ ત્રણ બાળકો હોવાનું પણ કહેવામાં આવે છે 40 વર્ષની અલિના ઘણી વખત તેના બાળકો સાથે જોવા મળે છે પણ પોતાના સંબંધો વિષે તે કશું જ બોલવાનું ટાળતી રહે છે. રશિયા અને યુક્રેન પહેલા એવી વાતો ખૂબ વહેતી થઈ હતી કે, પુટિનની હેલ્થ સારી રહેતી નથી અને હવે તેઓ નિવૃત થવાનું વિચારી રહ્યા છે. એલિનાએ જે તેમને રાજકારણ છોડવા અને બાકીની જિંદગી સાથે સારી રીતે જીવવા માટે સમજાવ્યા હોવાનું કહેવાતું હતું. અલિનાની ઇચ્છા એવી હતી કે, પુટિન તેનો જેટલો સમય હવે બચ્ચો છે એ તેની અને બાળકોની સાથે વિતાવે એ પછી યુક્રેન યુદ્ધ છેડાયું. એક તબક્કે એવી વાતો પણ થઇ હતી કે, પુટિને એવું પણ વિચાર્યું હતું કે, યુક્રેન યુદ્ધ પૂરું થાય પછી એ નિવૃત થઇ શાંતિની જિંદગી જીવશે પણ યુદ્ધે આખી સ્થિતિ જ બદલાવી નાખી. યુદ્ધને બે વર્ષ પૂરા થવામાં છે અને હજુ આ યુદ્ધ ક્યારે પતશે એ કોઇ કહી શકે એમ નથી. પુટિને જ રશિયાને પાછું બેઠું કર્યું હતું અને રશિયાની ધાક દુનિયામાં જમાવી હતી. યુદ્ધના કારણે પુટિને દેશ માટે જે કર્યું હતું એના પર પાણી ફરી ગયું છે.
બાકી હતું એટલે હવે તેનું નવું પ્રેમ પ્રકરણ પણ ચગ્યું છે. પુટિનના લવ એફેર્સની સાથે તેના મેજની વાતો પણ તાજી થઇ છે. પુટિનના મેરેજ તારીખ 28મી જુલાઇ, 1983ના રોજ લ્યુડમિલા સાથે થયા હતા. લ્યુડમિલા ફ્લાઇટ એટેન્ડન્ટ હતી મેરેજ બાદ પુટિનનો રાજકીય ઉદય થયો હતો. રાજકીય રીતે પુટિન ખૂબ આગળ વધી ગયા પછી પણ લ્યુડમિલા લોપ્રોફાઇલ જ રહેતી હતી. પ્રોટોકોલ મુજબ જે કાર્યક્રમોમાં પુટિનની સાથે જવું પડે ત્યાં જ તે જતી હતી. બંને વચ્ચે ધીમે ધીમે અણબનાવો સર્જાયા હતા. તેની પાછળ પણ પુટિનનો આશિક મિજાજ જ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. તારીખ 6 જૂન, 2013ના રોજ બંનેએ સંયુક્ત રીતે એવી જાહેરાત કરી હતી કે, અમે બંને રાજીખુશીથી એક-બીજાથી અલગ થઇએ છીએ. લ્યુડમિલા અને પુટિનને મારિયા અને કેટરિના નામની બે દીકરીઓ પણ છે આ બંને દીકરીઓ પુટિનની લાડકી છે અને પુટિન તેમની વાત પણ માનતા હોવાનું કહેવાય છે. લ્યુડમિલાથી જુદા થયા બાદ પુટિન અને અલિના નજીક હતા. આ દરમિયાન પણ પુટિનના બીજા સંબંધો હોવાની અને તેની એક સિક્રેટ ડોટર હોવાનું પણ ચર્ચાતું રહ્યું છે. આમ તો પુટિન દુનિયાના કંઇ પહેલા એવા નેતા નથી જેની લવ સ્ટોરીઝ ચર્ચાઇ હોય, ઘણા લફરાબાજ નેતાઓના કિસ્સાઓ ખૂબ ચર્ચાયા છે. પુટિનનું લેટેસ્ટ લવ અફેર એટલે તેના માટે સમસ્યા સર્જે એવું છે કારણ કે યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયા અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પુટિનના વિરોધીઓ આ કિસ્સાને ઇરાદાપૂર્વક ચગાવવાના છે. યુદ્ધના સમયમાં કેક ન્યૂઝ પણ ખૂબ ચાલતા હોય છે. આવા સમયમાં કોઇ સાચી અને સનસનાટીભરી વાત હાથમાં આવી જાય તો કોઇ છોડે નહીં એ સમજી શકાય એવી વાત છે. અલબત્ત, પુટિન વિશે એવું પણ મનાતું રહ્યું છે કે, આવી વાતોથી એને ખાસ કોઈ ફેર પડતો નથી.