Appleની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, રૂચિર દવે Appleના એકોસ્ટિક્સ (Acoustics) ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. રૂચિર દવે લગભગ 14 વર્ષથી Appleમાં કામ કરી રહ્યા છે. રૂચિર દવે ટૂંક સમયમાં Gary Geavesનું સ્થાન લેશે. રૂચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયા છે.
જાણો કોણ છે રૂચિર દવે ?
રૂચિર દવે ના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે તેઓ લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે. તે વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. અહીં તે એકોસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતા હતા. આ પછી તેમને વર્ષ 2012 માં મેનેજર સ્તર પર બઢતી આપવામાં આવી હતી. વર્ષ 2021માં તેમને વરિષ્ઠ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. Apple પહેલા તેણે લગભગ 10 વર્ષ સિસ્કોમાં કામ કર્યું.
રૂચિર દવે અમદાવાદમાં ભણ્યા ?
રૂચિર દવે ના લિંક્ડઇન એકાઉન્ટ્સ દર્શાવે છે કે, તે શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982 થી 1994 સુધી અભ્યાસ કર્યો. આ પછી તે 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા બાદ તેઓ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા.
બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ માહિતી રૂચિર દવે ને ઓળખનારા લોકોએ આપી છે. જોકે આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે, જેના કારણે તેઓએ તેમની ઓળખ છુપાવવાનું કહ્યું. આ સાથે નોંધનિય છે કે, કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી નથી. મહત્વનું છે કે, Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા પર પણ કામ કરે છે. આ ટીમ સ્પેશિયલ ઑડિયો જેવી સૉફ્ટવેર સુવિધાઓ પર પણ કામ કરે છે.