ભારત અને ચીન વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. ચીનનો ઘણા દેશો સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત તે દાદાગીરી પણ કરતું રહ્યું છે, ત્યારે સંરક્ષણ સચિવ ગિરિધર અરમાને (Giridhar Aramane)એ ચીનની દાદાગીરીનો જવાબ આપતા કહ્યું કે, ભારત સરહદ પર ધમકાવનાર ચીનને મજબૂતીથી જવાબ આપી રહ્યો છે અને અમેરિકા પણ ભારતની પડખે ઉભુ રહેશે.
ચીન સાથે સામનો થશે તો અમેરિકા ભારતની પડખે ઉભો રહેશે : સંરક્ષણ સચિવ
સંરક્ષણ સચિવ અરમાનેએ ભારતીયો અને અમેરિકન સંરક્ષણ ઉદ્યોગ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું કે, ‘અમે આગામી પડકારોને ધ્યાને રાખી ચીન સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખીશું. ગલવાનની ઘટના આપણે હંમેશા સક્રિય રાખશે. જ્યારે પણ ભારત-ચીનનો સામનો થશે, તો આશા છે કે, અમેરિકા ભારત સાથે ઉભો રહેશે. અમે નિશ્ચિતપણે ધમકી આપનારાઓ વિરુદ્ધ ઉભા છીએ. જો આપણને અમેરિકાના સમર્થનની જરૂર પડશે તો તે આપણી સાથે ઉભો રહેશે. જો ભારત પર કોઈપણ સામાન્ય ખતરો આવે તો અમેરિકાના સમર્થનની ખાતરી કરવી જરૂરી છે. આપણે મજબૂત સંકલ્પ સાથે સામાન્ય ખતરા વિરુદ્ધ એક-બીજાનું સમર્થન કરીએ છીએ, જે અમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.’
ભારત-ચીન વચ્ચેની 21મી બેઠકમાં પણ કોઈ સમાધાન નહીં
2020માં ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે 21 વખત બેઠકો યોજાઈ છે, પરંતુ તેમાં આંશિક જ સફળતા મળી છે. સરહદ પાસેના ડેમચોક અને દેપસાંગ આજે પણ વણઉકેલ્યા મુદ્દા રહ્યા છે. બંને દેશોના કોર કમાન્ડર સ્તરની સોમવારે 21મી બેઠક યોજાઈ હતી, પરંતુ સમાધાનની દિશામાં કોઈ મહત્વની પ્રગતિ થઈ નથી. આ અગાઉની બેઠકમાં સરહદી વિસ્તારો તેમજ પૂર્વી લદ્દાખમાં LAC (વાસ્તવિક સરહદની રેખા) પાસેના તમામ વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરાઈ હતી.