પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાં સામે હિંદુ મહિલાઓનું જાતિય શોષણ કરવાનો અને જમીનો પચાવી પાડવાના આક્ષેપોનો મુદ્દો ગરમ છે જ ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શાહજહાં સામે જમીન બથાવી પાડવાની જૂની ફરિયાદમાં વધુ એક કેસ ઠોકી દીધો છે. ઈડીની ટીમ ૫ જાન્યુઆરીએ રાશન કાર્ડ કૌભાંડના સંદર્ભમાં સંદેશખલીમાં શાહજહાંના ઘરે રેડ પાડવા ગઈ ત્યારે ટોળાએ હુમલો કરીને ઈડીની ટીમને ભગાડી દીધી હતી. ઈડીએ આ સંદર્ભમાં કેસ કરેલો જ છે ત્યાં હવે નવો કેસ કરાતાં શાહજહાં ફરતે ગાળિયો કસાઈ રહ્યો છે એ સ્પષ્ટ છે.
ઈડીની ટીમ પર હુમલાના દિવસથી શેખ શાહજહાં ફરાર છે. ઈડી તેને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે પણ છેલ્લાં ૫૦ દિવસથી શાહજહાં હાથ લાગતો નથી. ઈડીની ટીમે પાર્થપ્રતિમ સેનગુપ્તા અને અરૂણ સોમ નામના શાહજહાંના ખાસ મનાતા જાણીતા બિઝનેસમેનને ત્યાં દરોડા પાડયા પણ શાહજહાં હાથ લાગ્યો નથી. હિંદી ફિલ્મોની ભાષામાં કહીએ તો એ જ ખબર પડતી નથી કે, શાહજહાં કો ધરતી નિગલ ગઈ યા આસમાન ખા ગયા.
શાહજહાંના મુદ્દાને ભાજપે પણ બરાબર ચગાવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને શાહજહાં મુસ્લિમ છે તેથી ભાજપને હાથ પણ મોટો મુદ્દો લાગી ગયો છે. ભાજપે શાહજહાંના ગુંડા મનફાવે ત્યારે હિંદુ મહિલાઓને ઉઠાવી જઈને તેમના પર બળાત્કાર ગુજારે છે સહિતના આક્ષેપો કરીને આ મુદ્દાને રાષ્ટ્રવ્યાપી બનાવી દીધો છે. શાહજહાં શેખ સંદેશખલી જ નહીં પણ આખા સુંદરબનમાં ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવે છે, જમીનો હડપી લે છે, ખેડૂતોને કે કોઈને પણ નાણાં ચૂકવતા નથી એ સહિતના મુદ્દાને ભાજપે બરાબરના ચગાવ્યા છે. મમતા બેનરજીની છત્રછાયામાં શાહજહાં શેખ મોટો ડોન બની ગયો છે એવો પણ ભાજપનો આક્ષેપ છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા આ આક્ષેપોને નકારે છે પણ શાહજહાં મમતા બેનરજીનું પાપ છે તેમાં બેમત નથી. શાહજહાં એક સમયે ડાબેરી મોરચાની મુખ્ય પાર્ટી સીપીએમમાં હતો પણ મમતાનો દબદબો વધતાં તૃણણૂલ કોંગ્રેસમાં આવી ગયો. સુંદરબનમાં ડાબેરીઓના શાસન લખતે સીપીએમના માફિયા માજિદ માસ્ટરનો દબદબો હતો. માજિદ અલીએ સુંદરબનના આખા વિસ્તારમાં પોતાના ગુંડાઓ મારફતે જબરદસ્ત ખોફ ફેલાવેલો. માજિદ એક સ્કૂલના હેડમાસ્ટર હતા તેથી માજિદ માસ્ટર કહેવાતા. કટ્ટરવાદી ડાબેરી વિચારધારાને વરેલા માજિદ માસ્ટરે પોતાની પ્રાઈવેટ આર્મી બનાવીને ખેડૂતોની જમીનો પચાવી પાડીને તેમને ફિશ પોન્ડ્સ એટલે કે માછલીઓના તળાવમાં ફેરવી નાંખી.
માજિદ માસ્ટરે સીપીએમના શાસનના સાડા ત્રણ દાયકામાં લગભગ ૪૦ હજાર વિઘા જમીનમાં ફિશ પોન્ડ્સ ઉભાં કરી દીધાં હતાં. મમતા બેનરજી ૨૦૧૦માં સત્તામાં આવ્યાં એ પહેલાં માજિદ માસ્ટર આ ફિશ પોન્ડ્સ ભાડે આપીને કરોડોની કમાણી કરતા. એ વખતે વિઘાનો ભાવ ૧૫ હજાર રૂપિયાની આસપાસ હતો તેથી દર મહિને ૬૦ કરોડ રૂપિયાની કમાણી થતી. તેમાંથી દસેક કરોડ રૂપિયા માજિદ માસ્ટર પોતાન પ્રાઈવેટ આર્મી ચલાવવા રાખતા જ્યારે બાકીનાં નાણાં સીપીએમના નેતાઓ પાસે જતાં.
માજિદ માસ્ટર સુંદરબનના બેતાજ બાદશાહ ગણાતા અને ચૂંટણી વખતે મસલ પાવરનો ઉપયોગ કરીને સીપીએમને જીતાડતા. એ જમાનામાં મતપત્રકોથી ચૂંટણી થતી તેથી માજિદ માસ્ટર બૂથ કબજે કરીને સીપીએમની તરફેણમાં ઠપ્પા મરાવી દેતા. પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની, માજિદ માસ્ટરના મસલ પાવર સામે કોઈનું કશું ચાલતું નહીં.
મમતાએ સત્તામાં આવ્યા પછી પહેલું કામ સીપીએમના માફિયા અને ગુંડાઓને ઠેકાણે પાડીને તેમના બદલે પોતાના ગુંડાઓને ગોઠવવાનું કર્યું તેમાં સુંદરબનમાં શાહજહાંને પોષ્યો. શાહજહાં શેખ એક સમયે ટેક્સીની ફેરી ચલાવીને ગુજરાન ચલાવતો પણ સીપીએમના નેતા અને તેના મામા મોસલેમ શેખના કારણે ગુંડો બની ગયો હતો. મોસલેમ શેખ સીપીએમના નેતા હતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. શેખને પોતાનું રાજકીય વર્ચસ્વ ટકાવી રાખવા માટે મસલ પાવરની જરૂર હતી તેથી ભાણિયા શાહજહાંને પોતાના સાથે લઈ લીધો.
શાહજહાં શરૂઆતમાં મોસલેમને ચૂંટણી જીતવામાં મદદ કરતો તેથી સ્થાનિક નેતાઓની નજરમાં આવી ગયો. તેમણે પણ પોતાનાં કામો માટે શાહજહાંનો ઉપયોગ કરવા માંડતાં ધીરે ધીરે શાંહજહાંની સંપત્તિ વધવા માંડી. શાહજહાંએ નાણાંનો ઉપયોગ પોતાની સારી ઈમેજ બનાવવા કરવા માંડયો. લોકોને મદદ કરીને તેણે પોતાની રોબિનહૂડ જેવી ઈમેજ ઉભી કરી હતી. આ કારણે પણ નેતાઓને તેમાં રસ પડી લગયેલો.
મમતાએ ૨૦૧૦માં માજિદ માસ્ટરને જેલમાં ધકેલીને પહેલો ફટકો માર્યો. એ પછી તેના માણસોને પતાવવા માંડયા ને બીજી તરફ શાહજહાંને થાબડવા માંડયો. શાહજહાંએ મમતાની મહેરબાની અને પોતાના મસલ પાવરના જોરે માજિદ માસ્ટરનાં ફિશ પોન્ડ્સ પર કબજો કરીને તેનો હપ્તો ઉપર સુધી પહોંચાડવા માંડયો.
અત્યારે ફિશ પોન્ડ્સ એક વિઘાના ૩૦ હજારથી ૪૦ હજારના ભાવે જાય છે એ જોતાં લગભગ સવાસો કરોડથી દોઢસો કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે બનાવેલાં ફિશ પોન્ડ્સમાંથી જ ઉભા થાય છે. શાહજહાંએ માજિદ માસ્ટરની જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ખેડૂતો પાસેથી દાદાગીરીથી ખેતીની જમીનો પડાવીને ફિશ પોન્ડ્સમાં ફેરવવા માંડી છે. તેમાંથી થતી આવક ઉપર સુધી પહોંચે છે તેથી શાહજહાંનો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી.
શાહજહાંને મમતા પાસે મુકુલ રોય લઈ ગયેલા એવું કહેવાય છે કે જે અત્યારે ભાજપમાં છે. તૃણમૂલના નેતા જ્યોતિપ્રિય મલ્લિકનો સુંદરબન વિસ્તારમાં દબદબો હતો તેથી શાહજહાંએ તેમનો પણ પડયો બોલ ઉઠાવીને પોતાનું એકચક્રી શાસન ઉભું કર્યું છે. જ્યોતિપ્રિય મલ્લિક ૨૦ હજાર કરોડ રૂપિયાના રાશન કાર્ડ કૌભાંડમાં અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે. આ જ કેસમાં ઈડી શાહજહાંની પૂછપરછ કરવા ગઈ ત્યારે હુમલો થયો તેમાં બબાલ થઈ ગઈ.
શાહજહાં માટે બંગાળમાં મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો ઘાટ છે તેથી કોઈ તેની સામે પોલીસ ફરિયાદ કરવા આવતું નથી. આ કારણે પોલીસના ચોપડે શાહજહાં સામે બહુ કેસ નોંધાયેલા નથી. ૨૦૧૯માં ભાજપના કાર્યકરોની હત્યા જેવા એકલદોકલ કેસને બાદ કરતાં શાહજહાં સામે બહુ કેસ નથી પણ તેનું ગુનાખોરીનું સામ્રાજ્ય બહુ મોટું છે. ઈડીએ આ સામ્રાજ્યને રફેદફે કરવા કમર કસી છે પણ મમતા બંગાળમાં સત્તામાં છે ત્યાં સુધી આ સામ્રાજ્ય રહેશે. શાહજહાં જેલમાં જશે તો તેના ભાઈઓ આ સામ્રાજ્યને ચલાવશે.
શાહજહાંના ક્રાઈમ નેટવર્કમાં બે ભાઈ, બે મિત્ર મુખ્ય
શેખ શાહજહાનું ગુનાખોરીનું સામ્રાજ્ય તેના બે ભાઈ શેખ સિરાજુદ્દીન અને શેખ આલગમીર તથા બે મિત્ર શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર ચલાવે છે. ઉત્તમ સરદાર નામ પરથી હિંદુ લાગે પણ તેનું અસલી નામ નૂરઆલમ છે. સુંદરબનમાં ખંડણી ઉઘરાવવાથી માંડીને જમીનો પચાવી પાડીને તેમને ફિશ પોન્ડ્સમાં ફેરવી નાંખવા સુધીના ધંધા શાહજહાંની ગેંગ કરે છે. ઉત્તમ સરદાર હવસખોર છે તેથી તેના ઈશારે શાહજહાંની ગેંગના ગુંડા સુંદર સ્ત્રીઓને ઉઠાવી જાય છે એવા આક્ષેપો પછી પોલીસે ઉત્તમ સરદારને જેલભેગો કરી દીધો છે. શાહજહાં પોતે પણ સ્ત્રીઓનું શોષણ કરતો હોવાના આક્ષેપો થયા છે.
કોઈ હુમલો કરે તો આખો પરિવાર અને ગેંગ સાફ ના થઈ જાય એટલા માટે આ પાંચેય જણા અલગ અલગ મકાનોમાં રહે છે. શાહજહાં પોતે સંદેશખલીમાં રહે છે જ્યારે આલગમીર અને સિરાજુદ્દીન પાસેનાં અલગ અલગ ગામોમાં રહે છે. તેના બે ખાસ માણસ પણ અલગ અલગ ગામોમાં રહે છે. આ બધાં સ્થળેથી તેમની ગેંગ ઓપરેટ થાય છે તેથી શાહજહાનું ગુનાખોરીનું નેટવર્ક બહુ વ્યાપક છે.
શાહજહાંના પિતા મસિબુર મુલ્લાહને બે પત્ની હતી. એક પત્ની ભારતમાં રહેતી જ્યારે બીજી બાંગ્લાદેશમાં રહેતી. મસિબુર નિયમિત રીતે બાંગ્લાદેશ આવતો-જતો રહેતો. શાહજહાંના સાવકા ભાઈઓ અત્યારે બાંગ્લાદેશમા જ રહે છે. તેમની મદદથી શાહજહાંએ બાંગ્લાદેશમાં પણ ક્રાઈમ નેટવર્ક વિકસાવ્યું છે.
શાહજહાની ક્રાઈમ કુંડળી: સ્ત્રીઓને ઉઠાવી જઈ બળાત્કાર, મજૂરો પાસેથી ખંડણી
શાહજહાં શેખના ગુંડા ખેડૂતોને ફિશ પોન્ડ્સ માટે જમીન આપવાની ફરજ પાડવા માટે ખારું પાણી છોડી દેતા હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં થઈ છે. તેના કારણે બીજો પાક ના થાય તેથી ખેડૂતે જમીન આપી જ દેવી પડે. એ જ રીતે મનરેગા સહિતની સ્કીમોમાં કામ કરતા મજૂરો પાસેથી ખંડણી ઉઘરાવાતી હોવાની પણ ફરિયાદો છે. મજૂરોને પાંચસો રૂપિયા પકડાવીને બાકીનાં નાણાં શાહજહાંના ગુંડા લઈ જાય છે.
ભાજપનો આક્ષેપ છે કે, શાહજહાંના ગુંડા હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને કોઈ સ્ત્રી રૂપાળી અને યુવાન છે તેનો સર્વે કરી જાય છે. રાત પડે ત્યારે આ સ્ત્રીને ઉઠાવી જઈને તેના પર બળાત્કાર ગુજારાય છે. હિંદુ પુરૂષોને તેમની પત્નીઓ પર તેમનો કોઈ અધિકાર નથી એવું કહી દેવાય છે.