ઓપન સ્કૂલમાં 12મા સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટે મોટી રાહત આપતાં ડૉક્ટર બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલને હવે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET) માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)ની માન્યતા મળશે. હવે આવી માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલના 12મા ધોરણ પાસ વિદ્યાર્થીઓ પણ નીટની પરીક્ષામાં બેસવાને યોગ્ય થઇ જશે.
NEET ની પરીક્ષા આપી શકશે ઓપન સ્કૂલના વિદ્યાર્થી
ખરેખર તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) એ ઓપન સ્કૂલ સ્ટુડન્ટ્સને નીટની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી પણ આ મામલે સુપ્રીમકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો સંભળાવતા તેમને મેડિકલ એન્ટ્રેન્સ એક્ઝામ એટલે કે NEETમાં બેસવાની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમકોર્ટના ચુકાદાની શું અસર થશે?
સુપ્રીમકોર્ટનો આ ચુકાદો એ તમામ લાખો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર છે જે આર્થિક તંગી કે અન્ય કોઈ મુશ્કેલીને કારણે રેગ્યુલર અભ્યાસ નથી કરી શકતા અને તેમનું ડૉક્ટર બનવાનું સપનું, સપનું જ બનીને રહી જાય છે. હવે આવા વિદ્યાર્થીઓ પણ નીટની પરીક્ષા આપી મેડિકલનો અભ્યાસ કરી શકશે.
27 વર્ષ પહેલા રોક લગાવાઈ હતી
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 1997ના રેગ્યુલેશન ઓન ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના ભાગ 4(2)ની જોગવાઈઓ અનુસાર એવા ઉમેદવારોને નીટમાં બેસતા અટકાવી દીધા હતા. બાદમાં 2018માં દિલ્હી હાઈકોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવતાં તેને રદ કરી હતી. એમસીઆઈની આ જોગવાઈને ફગાવી દેતા, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્ર શેખરની ખંડપીઠે કહ્યું હતું કે મેડિકલે એવો વિચાર આગળ ધપાવ્યો છે કે જે વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણ અને મુશ્કેલીઓ અને સામાજિક કારણોસર નિયમિત શાળાએ જતા નથી તેઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં હલકી ગુણવત્તાવાળા અને ઓછા સક્ષમ છે. કોર્ટે આ પ્રકારની ધારણાને નકારી કાઢવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે બંધારણીય જોગવાઈઓ અને લોકોની ધારણા વિરુદ્ધ છે. એમ પણ કહ્યું કે આ બંધારણની કલમ 14 અને પ્રોફેશનલ ડિગ્રી મેળવવાની તકના અધિકારનું ઉલ્લંઘન છે. બાદમાં MCIએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેમાં હવે નિર્ણય આવ્યો છે.