યુરોપમાં નદીઓના અવિરત પ્રવાહ માટે ઝુંબેશ ચાલી રહી છે. વર્ષ 2016થી અહીં ડેમ તોડવામાં આવી રહ્યા છે. 2022માં જ યુરોપિયન નદીઓ પર બનેલા 325 ડેમ તોડવામાં આવ્યા હતા, જે 2021થી 36% વધુ છે. જે નદીઓ પરના ડેમ તોડવામાં આવ્યા છે ત્યાંનું જળ જીવન બદલાવા લાગ્યું છે. ફિનલેન્ડ હિતોલાન્જોકી નદીમાં સોલોમન માછલીઓ નજરે પડવા લાગી છે, જે વર્ષો પહેલાં વિલુપ્ત થઇ ચૂકી હતી.
ફિનલેન્ડના નેચરલ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના ઇકોલૉજિસ્ટ પૉલિના લોહી કહે છે કે માછલીઓનું પરત ફરવું એ વાતની નિશાની છે કે નદીની ઇકોસિસ્ટમ ઠીક થઇ રહી છે. સ્થાનિક છોડો ફરી ખીલવા લાગ્યા છે. વાસ્તવમાં 1911થી 1925 સુધી નદી પર 3 મોટા ડેમ બન્યા અને નદીનો પ્રવાહ રોકાઇ ગયો હતો. પરિણામે રશિયાના તળાવથી ફિનલેન્ડની સફર કરતી સોલોમન અને બ્રાઉન ટાઉટ જેવી માછલીઓની સફર ખતમ થઇ અને વિલુપ્ત થવા લાગી.
ડેમ હટાવવાનાં પ્રાકૃતિક અને આર્થિક બંને કારણ
યુરોપમાં અંદાજે 1.50 લાખ ડેમ નિષ્ક્રિય છે, પરંતુ મેન્ટેનન્સ ખર્ચ વધુ છે એટલે તોડાઇ રહ્યા છે. બીજું કારણ પ્રાકૃતિક છે. પર્યાવરણમાં પરિવર્તન ઘટાડવા માટે નદીઓને તેના પ્રાકૃતિક પર્યાવરણમાં રહેવા દેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
અમેરિકાએ પણ ડેમ હટાવ્યા, હરિયાળી વધી
યુરોપથી પહેલાં USએ પોતાની નદીઓ પરથી ડેમ હટાવવાનું શરૂ કર્યું. અહીં 92,000 ડેમની સરેરાશ ઉંમર 62 વર્ષ છે. અમેરિકાએ અત્યાર સુધી 2,000થી વધુ ડેમ તોડ્યા છે.