સનાતન ધર્મની પ્રતિષ્ઠાવિશ્વભરમાં ઉજાગર કરવા અમદાવાદમાં વધુ એક અતિભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાસપુર ખાતે 100 વીધાં જમીન પર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનું કાર્ય લગભગ 2027ના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે અને તે જ વર્ષે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે.
મંદિરની ઊંચાઈ 504 ફૂટની રહેશે. જેની ડિઝાઇન ભારતીય અને જર્મન આર્કિટેક્ટ સામે મળી કરી રહ્યા છે. 2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વ ઉમિયાધામનું મહાભૂમિપૂજન કરાયું હતું. આ અંગે સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું કે, હાલ વિશ્વ ઉમિયાથામ મંદિરના ધર્મસ્તંભનું કાર્ય પૂર્ણ થયું છે. મંદિર જે ધર્મસ્તંભ પર ઊભું થવાનું છે તેવા 1440 પિલર (ધર્મસ્તંભ)નું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. હવે મંદિરનો બેઝ તૈયાર થશે. જેના પર મા ઉમિયા બિરાજમાન થશે.
ઉમિયા માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન તથા આફ્રિકાના દેશોમાં વસતાં પાટીદારો જોડાશે.