ખરાબ કાયદો વ્યવસ્થા અને આતંકી પ્રવૃત્તિઓના કારણે ઘણી વાર મથાળાંઓમાં ચમકેલું પાકિસ્તાન પોતાની ન્યાયપ્રણાલી લીધે ચર્ચામાં છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને નિષ્પક્ષ ટ્રાયલ નહોતી મળી. અદાલતે કહ્યું કે કેસમાં નિષ્પક્ષ સુનાવણી વગર જ પૂર્વ વડાપ્રધાન ભુટ્ટોને ફાંસીની સજા કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાએ આ મહત્ત્વનો આદેશ પસાર કર્યો છે. અદાલતની નવ જજોની પીઠે સર્વસંમતિથી પાસ કરેલા આદેશમાં કહ્યું કે ૪૫ વર્ષ પહેલાં સૈન્ય શાસન દરમિયાન પૂર્વ વડાપ્રધાનને સજા-એ-મૌત આપી દેવાઈ, પણ મુકદમામાં તેમને નિષ્પક્ષ ટ્રાયલ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૭માં સૈન્ય સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ- હકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકાર તોડી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની ખંડપીઠે ૫૧ વર્ષીય ભુટ્ટોને દોષિત ઠરાવીને તેમને ફાંસીની સજા કરી હતી. સુપ્રીમ કોર્ટે લગભગ ૧૩ વર્ષ બાદ પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સંસ્થાપક ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના મામલે ફાંસીની સજાવાળા તત્કાલીન રાષ્ટ્રપતિના આદેશની યોગ્યતા બાબતે સુનાવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં તત્કાલીન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પોતાના સસરા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસીને હત્યા ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ ઈસાએ ચીફ જસ્ટિસ બન્યા બાદ ૨૦૨૩માં આ કેસની સુનાવણી શરૂ કરી હતી.
નિષ્પક્ષ સુનાવણી બંધારણ દ્વારા મળેલો અધિકાર
નિર્ણય સંભળાવતાં ચીફ જસ્ટિસ ઈસાએ કહ્યું. લાહૌર હાઈકોર્ટમાં ૪૫ વર્ષ પહેલાં થયેલી કેસની કાર્યવાહીને જોતાં સ્પષ્ટ છે કે નિષ્પક્ષ સુનાવણીની ગેરંટી અને યોગ્ય પ્રક્રિયાના મૌલિક અધિકારની આવશ્યકતા પૂરી નથી થઈ. અદાલતે કહ્યું કે મુકદમામાં નિષ્પક્ષ સુનાવણી બંધારણની કલમ હેઠળ અલગ અને મૌલિક અધિકાર છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બંધારણની કલમની વ્યાખ્યા કરતાં તેની ગેરંટી આપી છે. પણ ભુટ્ટોના કેસમાં એવું નથી થયું.
ફાંસીની સજાનો નિર્ણય બદલી ન શકાય
ભલેને સુપ્રીમ કોર્ટે નિષ્પક્ષ સુનાવણીના મુદ્દે સખત ટિપ્પણી કરી છે પણ ચીફ જસ્ટિસે એમ પણ સ્પષ્ટ કર્યુ કે ભુટ્ટોના મૃત્યુદંડના નિર્ણયને બદલી નહીં શકાય, કેમ કે બંધારણ અને કાયદો તેની મંજૂરી નથી આપતાં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફાંસીની સજા આપવાવાળો ચુકાદો જેમનો તેમ રહેશે.