દેશભરમાં લોકસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ જોવા મળી રહી છે. સૌપ્રથમ ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડતા જ અન્ય તમામ પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરવા દોડધામ શરૂ કરી દીધી છે. હવે ભાજપે બીજી યાદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદી (BJP Candidate List)માં દિલ્હીના સાત બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બાકીની બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરવા મુદ્દે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ મંથન કરશે, જેમાં દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે પણ ચર્ચા કરાશે. ભાજપે લોકસભા ચૂંટણી માટે બેઠકો માટેની પ્રથમ યાદીમાં દિલ્હીની સાત બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પૂર્વ દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી (East Delhi and North-West Delhi) લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા ઘણા નામો પર વિચારણા ચાલી રહી છે.
ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠક પર સ્થાનિક ઉમેદવારના નામની ચર્ચા
મળતા અહેવાલો મુજબ ભાજપ ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠક પરથી સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. સર્વે બાદ ભાજપ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠકો પર સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારવા ઈચ્છી રહી છે. જ્યારે પૂર્વ દિલ્હીમાંથી દિલ્હી એકમના અધ્યક્ષને મેદાનમાં ઉતારી શકે છે. હંસ રાજ હંસ ઉત્તર-પશ્ચિમ બેઠકના વર્તમાન સાંસદ છે. જોકે સર્વે મુજબ તેઓ વિસ્તારમાં ન દેખાતા હોવાથી લોકો રોષે ભરાયા છે અને લોકલ નેતાનો દબદબો જોવા ઈચ્છી રહ્યા છે.
ઉમેદવારોની રેસમાં સોનુ સૂદ પણ સામેલ
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીની બાકીની બે બેઠક પર હાલ યોગેન્દ્ર ચંદૌલિયા, કર્મ સિંહ કર્મા અને દુષ્યંત ગૌતમનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે. દુષ્યંત ગૌતમ રાષ્ટ્રીય મહામંત્રી છે, જ્યારે ચંદોલિયા દિલ્હી નગર નિગમમાં મેયર રહી ચુક્યા છે. કર્મ સિંહ કર્મા દિલ્હી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી છે. સૂત્રો મુજબ આ બેઠક પર બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સોનુ સૂદનું નામ પણ આગળ ચાલી રહ્યું છે.
પૂર્વ દિલ્હીની બેઠક માટે ઘણા દાવોદાર
પૂર્વ દિલ્હીની બેઠક માટે દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, પ્રદેશ મહામંત્રી હર્ષ મલ્હોત્રાનું નામ પણ સાંભળવા મળી રહ્યું છે. જોકે ભાજપે આ વખતે કોઈપણ પ્રદેશ અધ્યક્ષને ટિકિટ આપી નથી, તો શું ભાજપ દિલ્હીમાં આવું કરશે? જોકે હાલ આ મામલે કાંઈ પણ કહી શકાય તેમ નથી. ભાજપે હજુ સુધી દિલ્હીમાં કોઈપણ પંજાબીને ટિકિટ આપી નથી. બીજીતરફ દિલ્હી ભાજપના પૂર્વ ખજાનચી વિષ્ણુ મિત્તલ દમદારીએ પૂર્વ દિલ્હી પર દાવેદારી કરી છે. ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હીમાંથી ચૂંટણી ન લડવાની જાહેરાત કર્યા બાદ આ બેઠક હોટ બની ગઈ છે.