તાપી જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ઉચ્છલ તાલુકાના હરિપુરા ખાતે ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ-ઉચ્છલ, અને સુરત-તાપી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (સુમુલ ડેરી)નાં સંયુકત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જનમેદનીને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના હર્યાભર્યા ખેતરો જોઇને ખ્યાલ આવે છે કે, તાપી જિલ્લાના ખેડૂતો ખુબ મહેનતુ અને પરિશ્રમી છે. મહિલાઓની ભાગીદારી તમામ ક્ષેત્રોમાં અગત્યની રહી છે ત્યારે, મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે એમ ઉમેરી, યુરિયા – ડીએપી જેવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગના કારણે ધરતી બીન ઉપજાઉ બની છે એમ જણાવ્યું હતું.
તેમણે પ્રાકૃતિક ખેતીને લોકો જૈવિક ખેતી સમજી લે છે, રાજ્યપાલએ લોકોની ગેરસમજ દુર કરી પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભથી સૌને અવગત કરાવ્યા હતા. તેમણે પોતાના અનુભવો વર્ણવી કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધે અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થાય. જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાજયપાલએ પોતાના ખેતરમાં એક એકરમાં 35 ક્વિન્ટલ ડાંગર પકવી છે, એમ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું.
રાજ્યપાલએ દેશી ગાયનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ખેતી માટે દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રનું વિશેષ મહત્વ છે એમ ઉમેર્યું હતું. દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રને ધરતી માટે અમૃત ગણાવ્યું હતું. તેમણે અળસિયાને ખેડૂતનો મિત્ર ગણાવી અળસિયા ધરતીને ગુણવાન બનાવે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયાના જીવનચક્રના મહત્વ અંગે સૌને અવગત કરાવ્યા હતા.
રાસાયણિક ખાતરોના ઉપયોગથી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવાઇ રહી છે. આબોહવા ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીમાં ઝેર ભેળવાતા અનેક પ્રકારના રોગો ઘર કરી ગયા છે. આ તમામ રોગોનું મુળ જંતુનાશક દવાઓ છે, એમ રાજ્યપાલએ કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.
ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલશએ પ્રાકૃતિક ખેતીથી ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં તાપીના ખેડૂત ભાઇ બહેનોએ પણ તપ કરવું પડશે એમ કહીને તેમણે તમામ ધરતીપુત્રો આ અભિયાનમાં સક્રિય રીતે જોડાય તે માટે આહ્વાન કર્યું હતું.
પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા રાજયપાલએ પોતે લખેલા પુસ્તકમાં, પ્રાકૃતિક કૃષિની આપેલી પધ્ધતિઓને અનુસરવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત, બળવંતભાઈ પટેલ, સમીરભાઈ ભક્તા (ચેરમેન, મઢી સુગર), જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.