ડેનમાર્કના વૈજ્ઞાનિકો એઆઇની મદદથી કોની ઉંમર કેટલી છે તે જાણવા કરોડો લોકોના ડેટા લઇ રહયા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ તૈયાર કરીને માણસ કેટલું જીવશે તેનું અનુમાન લગાવી શકાશે. જો કે આ ટેકનિક વિકસાવવાનો એક માત્ર હેતું લોકોને ખતરાથી વાકેફ કરવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાઇફ ટુ વેક નામનો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવી રહયો છે. કોમ્પ્યૂટર અને એઆઇની મદદથી સ્વાસ્થ્ય પ્રોગ્રામ અને ઘટનાઓનું પૂર્વાનુમાન કરવાનો ઇરાદો છે.
ડેનમાર્કની ટેકનિકલ યુનિવર્સિટીના પ્રોફેસર જુને લેહમાને જણાવ્યું હતું કે માનવ જીવનની ભવિષ્યવાણી કરવા માટેનું આ એક જાળું છે. આમાંથી જાણકારી મેળવવાની અસિમ સંભવનાઓ રહેલી છે. જો આપની પાસે ટ્રેનિંગ ડેટા હોયતો કોઇ પણ ચીજનું અનુમાન લગાવવું અઘરુ નથી. આ એક સ્વાસ્થ્ય અંગેની ભવિષ્યવાણી પણ કહી શકાય જેમાં કેન્સર થશે કે નહી, જાડા રહેશો કે પાતળા તેનો પણ સમાવેશ થાય છે.
આ એક પ્રકારની અલ્ગોરિધમ સિસ્ટમ છે જે ચેટજીપીટીની જેમ જ કામ કરે છે.આના માટે જન્મ,શિક્ષણ, સામાજિક બેક ગ્રાઉન્ડ, કામના કલાકો વગેરનું પૃથ્થકરણ કરવામાં આવે છે. લેહમાન અને તેમની ટીમ લેંગ્વેજ પ્રોસેસ કરનારા અલ્ગોરિધમથી ડેટાનું એનાલિસિસ કરીને માણસનું ભવિષ્ય દર્શન કરવા પ્રયાસ કરી રહી છે.
આમ જોવા જઇએ તો માણસનું જીવન કેટલીક ઘટનાઓની હારમાળા છે. લોકો જન્મે છે. ડૉકટર પાસે જાય છે, સ્કૂલમાં જાય છે અને નવા સ્થળે વસવાટ કરે છે. લગ્ન કરે છે વગેરે અનેક બાબતો સંકળાયેલી છે. વૈજ્ઞાનિકોએ ડેટાના આધારે મૃત્યુનું પૂર્વાનુમાન કરવાનો પ્રયાસ કર્યો તો ૭૮ ટકા જેટલું સાચું નિકળ્યું હતું. જો કે ઇન્ટરનેટ પર એવા અનેક સોફટવેર ઉપલબ્ધ છે જેમાં માણસની આયુ આંકવામાં આવે છે પરંતુ વૈજ્ઞાાનિકો એઆઇની મદદથી સચોટ પરિણામની વધુ નજીક જવા પ્રયાસ કરી રહયા છે.