મીઠાનો ઉપયોગ કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકે છે અને વધુ ઉપયોગ તેનો સ્વાદ પણ બગાડી શકે છે. ઘણી વખત રસોઈ બનાવતી વખતે ભૂલથી ખોરાકમાં વધુ પડતું મીઠુ પડી જાય તો ખોરાક બેસ્વાદ બની જાય છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે થોડા સમયમાં તમારા ભોજનમાં વધારાનું મીઠુ ઓછું કરી શકો છો.
બટાકા સૌથી ઝડપથી મીઠુ શોષી લે છે, જો તમે ગ્રેવીવાળી વાનગી બનાવી છે અને તેમાં મીઠુ ખૂબ વધારે પડી ગયુ છે તો તેમાં બટાકા નાખીને મીઠાની માત્રા ઓછી કરી શકો છો.
સૌથી પહેલા બટાકાના કટ કરેલા ટુકડાને વાનગીમાં ઉમેરો, ત્યારપછી વાનગીને થોડીવાર ગેસ પર ગરમ કરો. થોડીવાર પછી ગેસ બંધ કરીને વાનગી ઠંડી થયા બાદ વાનગીનો સ્વાદ ચાખશો, ત્યારે તમને તેમાં મીઠુ સામાન્ય લાગશે.
ખોરાકમાં વધારાનું મીઠુ સુધારવા માટે તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. તે ખોરાકમાં વધારાનું મીઠુ ઘટાડી શકે છે અને તેનો સ્વાદ વધારી શકે છે.
જો તમે કોઈ એવી વાનગી બનાવી રહ્યા છો જેમાં દહીં ઉમેરી શકાય, તો મીઠુ ઓછું કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. કઠોળ કે શાકભાજીમાં એક કે બે ચમચી દહીં નાખીને ખાવાથી ખોરાકમાંથી વધારાનું મીઠુ ઓછું લાગશે.
ગ્રેવીવાળી વાનગીમાં વધુ મીઠુ હોય તો તમે તેમાં બાંધેલો લોટ પણ ઉમેરી શકો છો. તમને આ પદ્ધતિ થોડી વિચિત્ર લાગશે, પરંતુ લોટ સૌથી ઝડપથી મીઠુ શોષી લેશે.મીઠુ શોષી લીધા પછી લોટ ગ્રેવીની ઉપર તરવા લાગશે. તમે તેને ચમચીની મદદથી બહાર કાઢયા બાદ વાનગી ખાઇ શકો છો.
ખાંડની મીઠાશ સાથે વિનેગર પણ વાનગીમાં ઉમેરી શકાય છે, આ ઉપાયથી પણ મીઠાનું પ્રમાણ વાનગીમાં ઓછું થઇ જશે.