અદાણી પાવરને લેન્કો અમરકંટક પાવર હસ્તગત કરવા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મળી છે. CCIએ મંગળવારે આ અંગેની માહિતી આપી છે. લેન્કો અમરકંટક પાવર લિમિટેડ એ લેન્કો ગ્રૂપની કંપની છે અને હાલમાં IBC કોડ 2016 હેઠળ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાં સામેલ છે.
અદાણી પાવર લેન્કો અમરકંટકનો 100 ટકા હિસ્સો ખરીદશે
અદાણી પાવરના પ્રસ્તાવ હેઠળ અદાણી ગ્રુપની કંપની લેન્કો અમરકંટકનો 100 ટકા હિસ્સો ખરીદશે. લેન્કો અમરકંટક થર્મલ પાવર સાથે સંકળાયેલ છે. 5 માર્ચે અદાણી પાવરે માહિતી આપી હતી કે તેને લેન્કો અમરકંટક એટલે કે LAPLના એક્વિઝિશન માટે રિઝોલ્યુશન પ્લાન માટે ધિરાણકર્તાઓ પાસેથી મંજૂરી મળી છે.
સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલા પત્રમાં કંપનીએ કહ્યું હતું કે તેને 4 માર્ચે રિઝોલ્યુશન પ્રોફેશનલ તરફથી પત્ર મળ્યો હતો. LAPL છત્તીસગઢમાં 300 મેગાવોટના બે થર્મલ પાવર પ્લાન્ટ ફેઝ-1નું સંચાલન કરે છે અને હરિયાણા અને મધ્યપ્રદેશની વીજ વિતરણ કંપનીઓ સાથે લાંબા ગાળાના વીજ ખરીદી કરારો ધરાવે છે. કંપની વિસ્તરણ યોજના હેઠળ દરેક 660 મેગાવોટના બે પ્લાન્ટ પણ સ્થાપી રહી છે.
શું ડીલ થઈ છે ?
અદાણી ગ્રૂપની કંપનીએ લેન્કો અમરકંટક પાવરને રૂપિયા4101 કરોડમાં હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય સરકારી કંપની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC)ના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે પણ લેન્કો અમરકંટક પાવરને હસ્તગત કરવામાં રસ દાખવ્યો હતો પરંતુ બાદમાં પ્રક્રિયા આગળ વધી ન હતી. અગાઉ અબજોપતિ અનિલ અગ્રવાલની માલિકીની કંપની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીએ પણ ખરીદીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને નકારી કાઢવામાં આવ્યો હતો.
અદાણી પાવરના શેરમાં રિકવરી આવી
મંગળવારના ટ્રેડિંગમાં અદાણી પાવરનો શેર લગભગ 2 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. હિંડનબર્ગના ઝટકા પછી સ્ટોકમાં નોંધપાત્ર રિકવરી નોંધાઈ છે. એક વર્ષ પહેલા શેર રૂ. 175ના સ્તરથી નીચે હતો. હાલમાં સ્ટોક 500ની ઉપર છે. એટલે કે એક વર્ષમાં શેરોમાં રોકાણ લગભગ 3 ગણું વધ્યું છે.
અદાણી પવારના શેરનું પ્રદર્શન કેવું રહ્યું છે ?
આ શેરનો એક વર્ષનો સર્વોચ્ચ ભાવ રૂ. 589 છે. આ શેરે 3 વર્ષમાં રોકાણકારોને 454 ટકા વળતર આપ્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો અનેક ગણો વધીને રૂ. 2737 કરોડ થયો હતો. જે એક વર્ષ પહેલા માત્ર રૂ.9 કરોડ હતી. વેચાણ 67 ટકાના વધારા સાથે રૂ. 12991 કરોડ થયું છે.