સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરના જીવન આધારિત ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરથી રણદીપ હુડાએ ડાયરેક્શનની શરૂઆત કરી છે. આ ફિલ્મમાં લીડ રોલ, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની જવાબદારી રણદીપે સંભાળેલી છે. ફિલ્મમાં વીર સાવરકરના કેરેક્ટર માટે રણવીરે શારીરિક, માનસિક અને આર્થિક સંઘર્ષ કર્યો હતો. બે વર્ષની આકરી મહેનત અને પિતાએ વસાવેલી મિલકત વેચીને રણદીપ હુડાએ આ ફિલ્મ બનાવી હતી. ઓડિયન્સ તરફથી ફિલ્મને ઠંડો રિસ્પોન્સ મળતાં રણદીપ હુડાએ દુઃખ વ્યક્ત કર્યુ હતું.
રણદીપ હુડાએ એક પોડકાસ્ટમાં વાત કરતી વખતે જણાવ્યુ હતું કે, તેમણે સ્વાતંત્ર્ય વીર સાવરકર માટે બે વર્ષ ખર્ચ્યા હતા અને પોતાની શક્તિ કરતાં વધારે નાણાં આ ફિલ્મમાં રોક્યા હતા. ફિલ્મના પ્રોડક્શન વખતે નાણાની તકલીફ હતી. આ સમયે મારા પિતાએ મુંબઈમાં વસાવેલી મિલકતો ગિરવે મૂકીને ફિલ્મ બનાવી હતી. ફિલ્મ બનાવતાં મને કોઈ રોકી શકે તેમ ન હતું, પરંતુ આ ફિલ્મને તેની ક્ષમતા મુજબનો રિસ્પોન્સ મળ્યો નથી.
‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ બનાવતી વખતે આવેલી અડચણો અંગે વાત કરતાં રણદીપ હુડાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં પાછલા વર્ષે 15 ઓગસ્ટના રોજ ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન હતો. બાદમાં 26 જાન્યુઆરીએ રિલીઝનું વિચાર્યુ હતું. મારા તમામ પ્રયાસ છતાં આ બંને તારીખે ફિલ્મ આવી શકી ન હતી. ફિલ્મ સાથે સંકળાયેલી ટીમને સારી ગુણવત્તાવાળી ફિલ્મ બનાવવી ન હતી. તેઓ માત્ર ફિલ્મ બનાવવા માગતા હતા. ડાયરેક્ટર તરીકે મારા આવ્યા પછી તે પ્રકારની ગુણવત્તા ચાલી શકે નહીં. તેથી ફિલ્મના પ્રોડક્શનને લગતી ઘણી સમસ્યા હતી.
રણદીપ હુડાએ આ ફિલ્મ માટે પોતાના ડાયેટમાં પણ ફેરફાર કર્યા હતા અને પાંસળીઓ દેખાય તેટલી હદે શરીર ઉતાર્યું હતું. દરેક પ્રકારના સંઘર્ષ અને પ્રયાર બાદ રણદીપે આ ફિલ્મ બનાવી ત્યારે ઓડિયન્સ તેને વધાવી લેશે તેવી આશા હતી. જો કે બોક્સઓફિસ પર આ ફિલ્મ ખાસ ચાલી નથી. પહેલા વીકમાં આ ફિલ્મને માત્ર રૂ.11.35 કરોડનું કલેક્શન મળ્યું છે. તેની સામે કુણાલ ખેમુની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસને રૂ.13.50 કરોડની ઈનકમ થઈ છે. આમ, રિલીઝના પહેલા વીકમાં હુડાની ફિલ્મ બજેટ જેટલો ખર્ચ પણ કાઢી શકી નથી.