સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે નીચલી અદાલતે આદેશને લાગુ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ સરકારે તેનો તરત જ અમલ કર્યો હતો. અમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ તેના પર તાત્કાલિક રોક લગાવે.
ચીફ જસ્ટિસ શું બોલ્યાં…
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ મામલે નોટિસ જારી કરી હતી અને અન્ય તારીખે સુનાવણીનો સંકેત આપ્યો હતો. જો કે, મસ્જિદ પક્ષના વકીલે તેમની દલીલો રજૂ કરી જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે ભોંયરામાં પ્રવેશદ્વાર દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. એટલે અમારો નિર્દેશ છે કે હાલમાં પૂજા અને નમાઝ બંને પોત-પોતાની જગ્યાએ ચાલુ રહે.
વ્યાસ પરિવારના વકીલે નોટિસનો વિરોધ કર્યો
વ્યાસ પરિવારના વકીલ શ્યામ દિવાને ઔપચારિક નોટિસ જારી કરવાનો વિરોધ કર્યો હતો. વકીલે કહ્યું કે ટ્રાયલ કોર્ટમાં હજુ આ કેસનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. હાલના સમયે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી.