ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઇતિહાસ રચાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન દેશનું કુલ જીએસટી કલેકશન ૩૧ માર્ચ ૨૦૨૪ના અંતે ૨૦.૧૮ લાખ કરોડની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયું છે. આ સાથે દેશના જીએસટી કલેકશને પહેલી વખત ૨૦ લાખ કરોડની સપાટી વટાવી છે. નાણાકીય ક્ષેત્રની મજબૂતાઈ જોતા આ વૃદ્ધિ જારી રહે તેવી સંભાવના છે. જ્યારે માર્ચ મહિનાનું જીએસટી કલેકશન ૧.૭૮ લાખ કરોડને સ્પર્શી અત્યાર સુધીના ઇતિહાસનું બીજા નંબરનું સૌથી મોટું કલેકશન થયું હતું.
આમ માર્ચ મહિનાના જીએસટી કલેકશને વાર્ષિક ધોરણે ૧૧.૫ ટકાનો વધારો નોંધાવ્યો હતો. માર્ચ મહિનામાં જીએસટી કલેકશનમાં થયેલો વધારો જુલાઈ ૨૦૧૭માં જીએસટી અસ્તિત્વમાં આવ્યું તેના પછીનો બીજો સૌથી મોટો વધારો છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચમાં જીએસટી કલેકશનમાં નોંધપાત્ર વધારાનું કારણ સ્થાનિક વ્યવહારોમાં થયેલી ૧૭.૬ ટકાની વૃદ્ધિ છે. માર્ચના અંતે જીએસટી આવકના ચોખ્ખા રિફંડ વાર્ષિક ધોરણે ૧૮.૪ ટકા વધી ૧.૬૫ લાખ કરોડ થયા હતા.
જીએસટીના વિવિધ કેટેગરીઓના કુલ કલેકશનમાં જોઈએ તો ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (આઇજીએસટી) કલેકશન રુ. ૮૭,૯૪૭ કરોડ હતું. તેમા આયાતી માલસામગ્રીના ૪૦,૩૨૨ કરોડનો પણ સમાવેશ થાય છે. જ્યારે સેસની આવક ૧૨,૨૫૯ કરોડ હતી. તેમા આયાતી માલસામગ્રી પર એકત્રિત કરવામાં આવેલા ૯૯૬ કરોડના ઉપકરનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ જીએસટી કલેકશન ૧.૮૭ લાખ કરોડ એપ્રિલ ૨૦૨૩માં નોંધાયું હતું. તે આ વખતે એપ્રિલમાં જો તે બે લાખ કરોડને વટાવી જાય તો આશ્ચર્ય નહીં લાગે.
ફેબુ્રઆરીમાં નોંધાયેલા જીએસટી કલેકશનમાં ૧૨.૫ ટકાનો વધારો થતાં તે ૧.૭ લાખ કરોડ થયું હતું. આમ આ કલેકશન જીએસટી શરુ થયા પછીનું પાંચમા નંબરનું સૌથી વધુ કલેકશન હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીએસટી કલેકશન ૧૧.૭ ટકા વધીને ૨૦.૧૭ લાખ કરોડને વટાવી ગયું હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં માસિક ધોરણે સરેરાશ જીએસટી કલેકશન અગાઉના નાણાકીય વર્ષના ૧.૫ લાખ કરોડની તુલનાએ વધીને ૧.૬૮ લાખ કરોડ થયું હતું. જ્યારે રિફંડ આપ્યા પછીનું ચોખ્ખું જીએસટી કલેકશન ૧૮.૦૧ લાખ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે ૧૩.૪ ટકાની વૃદ્ધિ દર્શાવતું હતું.