ભારતમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.19 એપ્રિલથી પ્રથમ તબક્કાની ચૂંટણી શરુ થશે. બીજા તબક્કામાં ચૂંટણી 12 રાજ્યોમાં યોજાવાની છે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, મણિપુરનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચ દ્વારા બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. 5 એપ્રિલે જમ્મુ-કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં છઠ્ઠી એપ્રિલે સ્ક્રૂટિની થશે. બીજા તબક્કાના નામાંકન બાદ 26 એપ્રિલે મતદાન થશે.
હેમા માલિની આજે ઉમેદવારી ફોર્મ ભરશે
સતત ત્રીજી વખત મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બનેલા આઉટગોઇંગ સાંસદ હેમા માલિની આજે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉમેદવારી નોંધાવવા માટે મથુરા પહોંચી રહ્યા છે. તેઓ અહીં ચૂંટણી સભાને પણ સંબોધિત કરશે. આ માહિતી ભાજપ જિલ્લા પ્રમુખે આપી હતી.
ફોર્મ ભરતા પહેલા યમુનાજીની પૂજા કરી
દર વખતની જેમ આ વખતે પણ નોમિનેશન પહેલા હેમા માલિનીએ બુધવારે સવારે વિશ્રામ ઘાટ પર પહોંચીને યમુનાની પૂજા કરી અને યમુનાને પ્રદૂષણથી મુક્ત કરવા માટે તમામ શક્ય પગલાં લેવાનું વચન પણ આપ્યું હતું.
UPની 8 બેઠકો પર 47 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બુધવારે 47 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે 28 માર્ચે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આઠ લોકસભા મતવિસ્તારો માટે ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની સાથે, આ વિસ્તારોમાં નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 81 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં બુધવારે 47 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બીજા તબક્કામાં 26 એપ્રિલે આઠ સંસદીય મતવિસ્તારો અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરામાં મતદાન થશે.