ભારત, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ચીન સાઈબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચેતવણી દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે આપી છે.
અમેરિકન કંપનીની થ્રેટ ઈન્ટેલિજન્સ ટીમનુ માનવુ છે કે, ચીન સમર્થક હેકર્સ ઉત્તર કોરિયાના હેકર્સના જૂથ સાથે મળીને ચૂંટણી દરમિયાન ઉપરોક્ત ત્રણે દેશોની ચૂંટણીને ટાર્ગેટ કરી શકે છે. સાથે સાથે ચીન ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈની મદદથી મટિરિયલ બનાવીને તેને વાયરલ કરવાની યોજના પણ બનાવી રહ્યુ છે. બની શકે છે કે, આ ત્રણે દેશોમા જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ તેમ એઆઈની મદદથી બનાવેલા વિડિયો, ઓડિયો અને મીમ્સ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં જોવા મળે.
માઈક્રોસોફટનુ માનવુ છે કે, ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીમાં એઆઈ એક શક્તિશાળી પરિબળ સાબિત થાય તો નવાઈ નહીં હોય.
માઈક્રોસોફટે પોતાના રિપોર્ટમાં એવુ પણ કહ્યુ છે કે, તાઈવાનમાં પણ જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ચીને એઆઈની મદદથી દુષ્પ્રચાર કર્યો હતો. આ કારનામુ ચીનની સરકાર સમર્થિત સાઈબર એજન્સીનુ હતુ. જેને સ્ટોર્મ 1376 અથવા તો સ્પામોફ્લેઝના નામથી ઓળખવામાં આવે છે. તાઈવાનની ચૂંટણી સમયે આ એજન્સી યુ ટ્યુબ પર બોગસ કન્ટેન્ટ પીરસી રહ્યુ હતુ અને તેણે તાઈવાનના ચીન વિરોધી ઉમેદવારના મીમ્સ પણ બનાવ્યા હતા.