મુશ્કેલીમાં મુકાયેલી પેમેન્ટ્સ કંપની Paytm પેમેન્ટ્સ બેંકના MD અને CEO સુરિન્દર ચાવલાએ રાજીનામું આપી દીધું છે. ચાવલાનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી કડક કાર્યવાહીનો સામનો કરી રહી છે.
Paytm બ્રાન્ડનું સંચાલન કરતી કંપની One97 Communicationsએ મંગળવારે શેરબજારને આ રાજીનામાની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું, ‘ચાવલાએ 8 એપ્રિલ, 2024ના રોજ અંગત કારણોસર અને કારકિર્દીની સારી સંભાવનાઓ શોધવા માટે રાજીનામું આપ્યું હતું. 26 જૂને કામકાજના કલાકો પછી તેને PPBLમાંથી મુક્ત કરવામાં આવશે, સિવાય કે પરસ્પર સંમતિથી કોઈ ફેરફાર ન થાય.
ચાવલા ગત વર્ષે જાન્યુઆરીમાં જ પીપીબીએલમાં જોડાયા હતા,પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન નિયમનકારી ધોરણોના વારંવાર ઉલ્લંઘનને કારણે, PPBL તાજેતરમાં RBIના કડક નિયમો હેઠળ આવી હતી. આરબીઆઈએ 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે PPBL એ 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય ઉપકરણોમાં થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા જોઈએ નહીં. બાદમાં આ સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.
આરબીઆઈના ક્રેકડાઉનને પગલે, પેટીએમના પ્રમોટર વિજય શેખર શર્માએ ગયા મહિને પીપીબીએલના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પુનઃરચના કરવામાં આવી હતી.
PPBLમાં OCLનો 49% હિસ્સો છે
One97 Communications Limited (OCL) PPBLમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. જોકે, Paytm PPBL ને તેની પેટાકંપની તરીકે દર્શાવે છે. Paytm એ કહ્યું કે OCL અને PPBL વચ્ચેના લગભગ તમામ કરાર 1 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થઈ ગયા છે. વધુમાં, કંપની વેપારી જોડાણ અને UPI સેવાઓને વધારવા માટે બેંકિંગ ભાગીદારો સાથે સહયોગ કરવાનું ચાલુ રાખે છે.
NPCIએ આ અંગે મંજૂરી આપી હતી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગુરુવારે OCL ને મલ્ટિ-બેંક મોડલ હેઠળ થર્ડ-પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP) તરીકે UPIમાં ભાગ લેવા માટે મંજૂરી આપી છે. એક્સિસ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યસ બેંક Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) બેંક તરીકે કામ કરશે.