કેન્દ્રીય માહિતી પંચ સીઆઈસીએ ચૂંટણી પંચને આરટીઆઇની માહિતી ના આપવા બદલ નોટિસ ફટકારી છે, સાથે જ કહ્યું છે કે માહિતી આપવાની ના પાડીને કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. ઈવીએમ અને વીવીપીએટી સાથે સંકળાયેલી આરટીઆઈનો જવાબ 30 દિવસ પસાર થઇ જવા છતા ચૂંટણી પંચ દ્વારા નહોતો આપવામાં આવ્યો.
ચૂંટણી પંચે જવાબ નહોતો આપ્યો
પૂર્વ આઇએએસ અધિકારી એમજી, દેવસહાયમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ઇવીએમ અને વીવીપીએટી વોટ કાઉન્ટિંગ પ્રક્રિયાની વિશ્વસનિયતાને લઈને જે માગણીઓ ઉઠી હતી તેને લઈને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી તેનો જવાબ માગ્યો હતો. આરટીઆઇ કાયદાના નિયમ મુજબ અરજી મળ્યાના 30 દિવસની અંદર સરકારી વિભાગોએ જવાબ આપી દેવાનો હોય છે. જોકે ચૂંટણી પંચે 30 દિવસનો સમય પસાર થઇ જવા છતા શું કાર્યવાહી કરી તેનો જવાબ નહોતો આપ્યો. બાદમાં અરજદારે માહિતી કમિશન સમક્ષ અપીલ કરી હતી.
માહિતી કમિશન દ્વારા અપીલની સુનાવણી કરાઈ હતી અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સમારિયાએ માગેલા જવાબમાં ચૂંટણી પંચ આવ્યો. હવે આ અરજીનો જવાબ આપવા માટે જે પણ અધિકારીઓ જવાબદાર છે તે તમામ પાસેથી લેખિત જવાબ માગવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનરે આરટીઆઈનો 30 દિવસની અંદર જવાબ રજુ કરવા માટે પણ ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવાયા હતા
આ પહેલા અરજદાર પૂર્વ આઈએએસ અધિકારી સહિત અનેક લોકોએ ચૂંટણી પંચને પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં ઈવીએમ-વીવીપીએટી અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવાયા હતા, જે અંગે પંચે શું કાર્યવાહી હાથ ધરી કોઈ બેઠક બોલાવી કે કેમ વગેરે માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી હતી. હવે આ માહિતી ચૂંટણી પંચે આપવાની રહેશે.