હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. દેશમાં મોટાભાગના પરિવારો ઘરના આંગણામાં તુલસીના છોડને રોપવો શુભ માને છે. પૂજાપાઠ સિવાય તુલસીનો છોડ પણ લોકો માટે શુભ રહે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે. આયુર્વેદ અનુસાર સવારે નિયમિતપણે તુલસીના થોડાક પાન ચાવવાથી સ્વાસ્થ્યને લાભ મળી શકે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે. દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે.
હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના છોડના તમામ ભાગો એડેપ્ટોજેન તરીકે કામ કરે છે. એડેપ્ટોજેન એક કુદરતી પદાર્થ છે જે તમારા શરીરને તણાવને અનુકૂલન કરવામાં મદદ કરે છે અને માનસિક સંતુલનને જાળવે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં સામે આવ્યુ છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તુલસીના પાનનું સેવન કરવાથી મૂડ સુધરે છે અને નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે.
તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. આનાથી તમે ક્યારેય બીપી અને શુગરના દર્દી નહીં બનો. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે. તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને તાવથી બચાવે છે.
નિષ્ણાતોના મતે તુલસીના પાન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે તે તાવથી બચાવે છે. તુલસીના પાન ત્વચાને નીખારવા માટે પણ ઉપયોગી છે. તુલસીના પાન નિયમિત ખાવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ચહેરા પર ચમક આવે છે. તુલસીના પાન પાચનમાં સુધારો કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે, તેથી તુલસીના પાનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.