કોવિશિલ્ડ વેક્સિનના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે (મે 01), જોખમ પરિબળોનો અભ્યાસ કરવા માટે નિષ્ણાત તબીબી પેનલની રચનાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. Covishield-AstraZeneca કોરોના રસી અંગે બ્રિટનમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અંગે સુપ્રીમ કોર્ટ અરજી દાખલ કરાઇ છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તપાસની માંગ કરી છે. અરજદારે અપીલ કરી છે કે, દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના નિષ્ણાત ડોક્ટરોની પેનલને તેની આડઅસરોની તપાસ કરવા માટે નિર્દેશિત કરવામાં આવે. આ સાથે એવી પણ માંગ છે કે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ નિષ્ણાત ડોક્ટરોની પેનલ પર નજર રાખે.
જાણો શું કહેવામાં આવ્યું અરજીમાં ?
અરજીમાં વળતરની માંગણી કરવામાં આવી છે. એવી માંગ કરવામાં આવી છે કે જેઓ કોવિડ 19 દરમિયાન રસીકરણ ઝુંબેશને કારણે ગંભીર રીતે વિકલાંગ થયા છે અથવા જેઓ મૃત્યુ પામ્યા છે તેમને અથવા તેમના પરિવારોને વળતર આપવામાં આવે. તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એસ્ટ્રાઝેનેકાના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કોવિશિલ્ડ વેક્સીનનું નિર્માણ કર્યું હતું. બ્રિટિશ મીડિયા અનુસાર કંપની વિરુદ્ધ 51 કેસ પેન્ડિંગ છે. એવા ડઝનેક મામલા છે જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રસીના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે.
કોરોના વેક્સીન કોવિશિલ્ડને લઈને બ્રિટિશ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. અહીં એસ્ટ્રાઝેનેકાએ કોર્ટના દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે, તેની કોવિડ-19 રસી TTS જેવી દૂર્લભ આડઅસરોનું કારણ બની શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) શરીરમાં લોહીના ગંઠાવાનું અને ઓછી પ્લેટલેટની સંખ્યાનું કારણ બને છે.
જાણો કંપનીએ શું કહ્યું?
યુકેના એક મીડિયા અહેવાલ મુજબ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ રસી વૈશ્વિક સ્તરે કોવિશિલ્ડ અને વેક્સેવેરિયા બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવી હતી. યુકે હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે, તેની રસી ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે, ફાર્માસ્યુટિકલ કંપની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસિત તેની રસીના કારણે ગંભીર આડઅસરો અને મૃત્યુનો આરોપ લગાવતા ક્લાસ-એક્શન કેસનો સામનો કરી રહી છે. આ મામલે જેમી સ્કોટ નામના વ્યક્તિ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને એપ્રિલ 2021માં AstraZeneca રસી લીધા બાદ મગજને નુકસાન થયું હતું.
યુકેમાં રસી પર મુકાયો છે પ્રતિબંધ
યુકે મીડિયાએ લખ્યું છે કે, સલામતીની ચિંતાઓને કારણે યુકેમાં એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ રસી હવે આપવામાં આવતી નથી. જેમ જેમ કાનૂની કાર્યવાહી ખુલી રહી છે, અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારો રસીના કારણે થતી આડઅસરો માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાએ 2024 ના પહેલા ક્વાર્ટરમાં તેની આવક 10 બિલિયન પાઉન્ડથી વધુ હોવાનું જણાવ્યું છે