અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીઓ સતત છઠ્ઠી વખત વ્યાજદરો યથાવત રાખી શકે છે. તેમજ ફુગાવો અપેક્ષા કરતાં વધુ નોંધાતા આગામી સમયમાં વ્યાજદરોમાં કોઈ વૃદ્ધિની યોજના ન હોવાના સંકેતો સ્પષ્ટપણે જણાઈ રહ્યા છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી બેન્ચમાર્ક રેટ માટે 5.25 ટકાથી 5.5 ટકાની ટાર્ગેટ રેન્જ રાખશે. જે જુલાઈ બાદ બે દાયકાની ટોચે નોંધાશે. બેલેન્સ-શીટ રિડક્શન પ્રોગ્રામની સ્થિતિ અંગે જાહેરાત કરવામાં આવશે. પ્રેસિડન્ટ જેરોમ પોવેલ બુધવારે વોશિંગ્ટન ખાતે વ્યાજના દરો અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે.
ફેડ ફુગાવો નિયંત્રણમાં નહિં આવે ત્યાં સુધી રેટ જાળવશે
અમેરિકી ફેડ રિઝર્વના મતે, જ્યાં સુધી ફુગાવો 2% પર બંધ ન થાય ત્યાં સુધી ઉધાર ખર્ચમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. વર્તમાન રેટ દેશના મજબૂત અર્થતંત્ર માટે યોગ્ય છે. અગાઉ ફેડ દ્વારા આ વર્ષે રેટ કટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે આ વર્ષે કોઈ ઘટાડો ન કરવા નિર્ણય લીધો હોવાના સંકેત પોવેલે આપ્યા હતા.
ફેડના નિર્ણય અંગે રોકાણકારોની થોભો અને રાહ જુઓ નીતિ
બેન્ક ઓફ અમેરિકા કોર્પના યુએસ ઈકોનોમિક્સના હેડ માઈકલ ગેપેને જણાવ્યું હતું કે, “ફેડના નિર્ણયની રાહ જોવી જ યોગ્ય છે, પોલિસી અંગે યોગ્ય નિર્ણય લેવા વધુ સમયની જરૂર છે. તેઓના મતે જ્યાં સુધી ફુગાવો સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.
ભારતીય શેરબજાર પર શું અસર
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો જાળવી રાખવામાં આવે તો વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી ફંડ પાછું ખેંચી શકે છે. જો કે, વ્યાજદરોમાં કોઈ વૃદ્ધિ કરવામાં ન આવે તો એફપીઆઈ દ્વારા વેચવાલીનું પ્રમાણ સીમિત રહી શકે છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનશે, જેથી કિંમતી ધાતુની માગ ઘટશે. પરિણામે સ્થાનીય સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. યુએસ ટ્રેઝરીની યીલ્ડ પણ મોંઘી થશે. જેથી વિદેશી રોકાણકારો ભારતમાં 10થી 12 ટકા રિટર્ન માટે રોકાણ કરવાને બદલે યુએસ માર્કેટમાં રોકાણને પ્રાધાન્ય આપશે.