સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અમદાવાદના જનપદ સંમેલનનું પ્રારંભ દીપ પ્રાગટ્ય થી થયું હતું. ત્યાર પછી સંસ્કૃત ભારતીના અમદાવાદ મહાનગરના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી એ મંચસ્થ મહાનુભાવોનું પરિચય આપતા વાક્ય સુમનથી સમાગત અતિથિઓનું સ્વાગત કર્યું હતું. તત્પશ્ચાત તુલસી અને પુસ્તક દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તદ્દનંતર કાર્યક્રમના અધ્યક્ષ, જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજે સભામાં ઉપસ્થિત અમદાવાદ જનપદના નાગરિકોને આશીર્વાદ આપતા કહ્યું હતું કે પુસ્તક અને તુલસીને ભેટ સ્વરૂપે આપવાની પરંપરા સમાજના લોકો માટે પ્રેરક છે.
તદનંતર કાર્યક્રમમાં મુખ્ય વક્તા, સંસ્કૃત ભારતીના ગુર્જર પ્રાંતના અધ્યક્ષ શ્રી કૃષ્ણપ્રસાદ નિરોલાજીએ કહ્યું હતું કે પ્રાચીન કાળમાં સમગ્ર દેશની જનભાષા સંસ્કૃત ભાષા હતી. કેવલ નગર વાસીઓ જ નહીં પણ વનવાસી જનો પણ શુદ્ધ સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા હતા. આ વાતને પુષ્ટ કરતા તેમણે સીતાજીની શોધમાં રામને વનવાસી હનુમાનજીની શુદ્ધ સંસ્કૃતમાં સંવાદની પ્રશંસા કરતા શ્રીરામનું દ્રષ્ટાંત આપ્યું હતું તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં એકમાત્ર સંસ્કૃત ભાષા જ અન્ય ભાષાના માધ્યમથી ભણાવવામાં આવે છે જે અનુચિત છે અને સંસ્કૃત ભાષામાં સંભાષણ કરવાનું સામર્થ પણ થતું નથી. માટે શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન થવું જોઈએ તેમણે લોકોને સંસ્કૃતમાં સંભાષણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
તતત્પશ્ચાત્ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુર્જર પ્રાંતના કાર્યકારિણી સદસ્ય શ્રી ભાનુભાઈ ચૌહાણે સભાને સંબોધતા માનનીય બાબાસાહેબ આંબેડકરજીના નિવેદનને સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ ઇચ્છતા હતા કે આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત ભાષા બને અને શિક્ષણમાં સંસ્કૃતને પ્રધાનતા આપવામાં આવે. સંસ્કૃત એ સ્વ સાથે જોડાયેલી ભાષા છે અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે. તદનંતર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડોક્ટર અમીબેન ઉપાધ્યાયે સભાને સંબોધતા કહ્યું હતું કે આંબેડકર વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃત માધ્યમથી સંસ્કૃત ભણાવવામાં આવે છે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવા માટે અન્ય પ્રયોગો પણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતને સમજવા માટે સંસ્કૃત જાણવી અને સમજવી બહુ જ આવશ્યક છે. સંસ્કૃત આપણને આપણી સંસ્કૃતિથી જોડે છે.
આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃતમાં નૃત્ય,ગરબા, ગીતો અને હાસ્યથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની માહિતી આપતા સંસ્કૃત ભારતીના અમદાવાદના પ્રચાર પ્રમુખ સુકુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જન માનસમાં સંસ્કૃત પ્રત્યે જે ભ્રભ છે કે સંસ્કૃત ભાષા અઘરી છે તે દૂર કરવા માટે અને સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોની રુચિ વધે અને લોકો સંસ્કૃતમાં વાર્તાલાપ કરવા માટે સમર્થ બને તે હેતુથી આ સંસ્કૃત સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેન્દ્ર મહેતાએ કર્યું હતું અને શ્રી આશિષ દવે દ્વારા ધન્યવાદ જ્ઞાપન કરવામાં આવ્યું હતું. આ રીતે ભગવાન જગન્નાથજીના પ્રસાદ સાથે આ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું.