ભારતવંશી સુનીતા વિલિયમ્સ ફરી અંતરિક્ષની ઉડાન ભરવા માટે તૈયાર છે. આ વખતે તેમની સાથે બુચ વિલ્મોર પણ હશે. નાસાના બે અનુભવી અંતરિક્ષ યાત્રી બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને અંતરિક્ષ જવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. આ પહેલું માનવયુક્ત અંતરિક્ષ યાન હશે, જે સાત મે એ ઉડાન ભરશે. નાસાના જણાવ્યા અનુસાર યુનાઈટેડ લોન્ચ અલાયન્સ એટલસ વી રોકેટ અને બોઈંગ સ્ટારલાઈનર અંતરિક્ષ યાન સાત મે ની સવારે 08.04 મિનિટ પર કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
નવા અંતરિક્ષ યાનમાં ઉડાન ભરવાને લઈને ઉત્સાહિત
અંતરિક્ષમાં કુલ 322 દિવસ વિતાવી ચૂક્યાં છે
ડો. દીપક પંડ્યા અને બોની પંડ્યાના ઘરે જન્મેલા સુનીતા વિલિયમ્સ એક વાર ફરી ઈતિહાસ રચશે. તેઓ પહેલા એવા મહિલા હશે જે માનવયુક્ત અંતરિક્ષ યાનના પહેલા મિશન પર ઉડાન ભરશે. તેઓ વર્ષ 2006 અને 2012માં બે વખત અંતરિક્ષ જઈ ચૂક્યા છે. વિલિયમ્સે બે મિશનોમાં અંતરિક્ષમાં કુલ 322 દિવસ પસાર કર્યાં છે જે એક રેકોર્ડ છે.
આ રેકોર્ડ પણ તેમના નામે
એક સમય એવો હતો જ્યારે તેમના નામ પર એક વધુ રેકોર્ડ નોંધાયો હતો. તેમણે સાત સ્પેસવોકમાં 50 કલાક અને 40 મિનિટ પસાર કરી હતી. સુનીતાએ બીજી અંતરિક્ષ ઉડાન 14 જુલાઈ 2012 એ ભરી હતી. ત્યારે તેઓ અંતરિક્ષમાં ચાર મહિના રહ્યાં હતાં. સુનીતાએ 50 કલાક 40 મિનિટ સ્પેસવોક કરીને ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, તે બાદ પેગી વ્હિટસનને 10 સ્પેસવોકની સાથે તેમનો રેકોર્ડ તોડી દીધો હતો. રિપોર્ટ અનુસાર સુનીતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રામાં પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ, ઉપનિષદની સાથે-સાથે સમોસા પણ લઈને ગયા હતા. 18 નવેમ્બર, 2012 એ તેમનું બીજું મિશન ખતમ થયું હતું.
બે વખત અંતરિક્ષમાં જઈ ચૂક્યા છે
સુનીતા વિલિયમ્સના પિતા ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણમાં જન્મેલા એક ન્યૂરોએનાટોમિસ્ટ હતા પરંતુ બાદમાં તેઓ અમેરિકા જતા રહ્યા અને બોની પંડ્યા સાથે લગ્ન કરી લીધાં. હાલ, સુનીતા હવે બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાન પર ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશનના પાયલટ બનવાની તૈયારી કરી રહ્યા છે. તેમની જૂન 1998માં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસામાં પસંદગી થઈ હતી. નવ ડિસેમ્બર 2006માં તેઓ પહેલી વખત અંતરિક્ષ ગયાં હતાં. તેમને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલેલા 14મા શટલ ડિસ્કવરીની સાથે રવાના કરવામાં આવ્યાં હતાં. તે બાદ 2012માં તેમની બીજી અંતરિક્ષ યાત્રા શરૂ થઈ હતી. ત્યારે તેમણે કજાકિસ્તાનના બેકોનૂરથી રશિયન રોકેટ સોયૂજ ટીએમએ-05એમથી ઉડાન ભરી હતી.
ગણેશની મૂર્તિ સાથે લઈને જશે
ત્રીજી વખત ઉડાન ભર્યા પહેલા વિલિયમ્સે જણાવ્યું કે તેઓ ભગવાન ગણેશની એક મૂર્તિ સાથે લઈને જશે. તેમનું માનવું છે કે ગણેશ તેમના માટે ભાગ્યશાળી છે. તેઓ પોતાના સાથે ભગવાન ગણેશની મૂર્તિ સાથે લઈ જવાને લઈને ખુશ હતાં. આ પહેલા સુનીતા પોતાની સાથે અંતરિક્ષમાં ભગવદગીતા લઈને ગયાં હતાં. તેમણે એ પણ જણાવ્યું કે તેમને સમોસા ખૂબ પસંદ છે. તેઓ એક મેરેથોન દોડવીર પણ છે અને ISS પર મેરેથોન દોડ્યાં હતાં.
અંતરિક્ષ યાત્રી બન્યા પહેલા તેઓ શું કામ કરતાં હતાં?
સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965એ યૂક્લિડ, ઓહિયોમાં થયો હતો. 1987માં તેમણે અમેરિકી નૌસેના એકેડેમીથી ફિઝિકલ સાયન્સમાં બેચલરની ડિગ્રી લીધી. તે બાદ તેમણે એન્જિનિયરીંગ મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું. નાસા સાથે જોડાયા પહેલા તેઓ અમેરિકાની નૌસેનામાં કામ કરતાં હતાં. તે સમયે તેમણે 30થી વધુ વિભિન્ન વિમાનોમાં 3000થી વધુ ઉડાન ભરી હતી. સુનીતા વિલિયમ્સ હાલ પોતાના ત્રીજા અંતરિક્ષ મિશનની તૈયારી કરી રહ્યાં છે.
ભારતીય મૂળના સુનીતાને ઘણા દેશોની સરકારે સન્માનિત કર્યાં છે. ભારત સરકારે તેમને 2008માં પદ્મભૂષણથી સન્માનિત કર્યાં હતાં. રશિયનની સરકારે તેમને મેડલ ઓફ મેરિટ ઈન સ્પેસ એક્સપ્લોરેશન આપ્યું. સ્લોવેનિયાની સરકારે તેમને ગોલ્ડન ઓર્ડર ઓફ મેરિટ સન્માનથી નવાઝ્યાં હતાં. નાસાએ તેમને નાસા સ્પેસફ્લાઈટ મેડલ આપ્યું, જે સ્પેસ મિશનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ કે સેવા માટે આપવામાં આવે છે.