ભારતીય અમેરિકન સમાજના વડા અજય જૈન ભટૂરિયા (Ajay Jain Bhaturia)એ કહ્યું કે, અમેરિકાના વસતા ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરે છે. મોટાભાગના ભારતીય મૂળના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ જોવા ઈચ્છે છે. આ ઉપરાંત જ્યારે ભારત વિશ્વભરમાં ચમકે છે, ત્યારે તેઓ ગર્વ અનુભવે છે, તેથી જ મોટાભાગના ભારતીયો દેશમાં વડાપ્રધાન મોદીને ફરી વડાપ્રધાન બનતા જોવા માંગે છે.
અમેરિકાની આર્થિક વૃદ્ધિમાં ભારતીયોનું મોટું યોગદાન : ભટૂરિયા
ભારતીય-અમેરિકન ડમોક્રેટિક ફંડરાઈજર ભટૂરિયાએ કહ્યું કે, અમેરિકાની આર્થિક વૃદ્ધિમાં ભારતીયોનું મોટું યોગદાન છે. ભારતીયો સંયુક્ત રાજ્ય અમેરિકાની આર્થિક વૃદ્ધિ વધારવા અથાગ મહેનત કરી રહ્યા છે. ભારતનો આર્થિક વિકાસ લગભગ છથી સાત ટકાની ગતિએ આગળ વધી રહ્યો છે. ડેટા મુજબ આ વર્ષના અંત સુધીમાં ભારત જાપાનને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ત્યારબાદ કદાચ 2027 સુધીમાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજી મોટી અર્થવ્યસ્થા બની જશે.
‘ભારત સરકારની નીતિના કારણે દેશ બદલાઈ રહ્યો છે’
તેમણે કહ્યું કે, ભારત સરકારની નીતિના કારણે દેશ બદલાઈ રહ્યો છે. વાણિજ્ય, નાના અને મોટા ઉદ્યોગો, રેલ્વે વિકાસ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે દેશને સકારાત્મક પરિણામ મળી રહ્યું છે. આ સ્થિતિ જાળવવા માટે વડાપ્રધાન મોદી અને તેમની ટીમને ફરી ચૂંટવા જોઈએ. ભારતમાં વસતા લોકો અમેરિકા અથવા યુરોપીય દેશોની તુલનાએ વધુ લેવડદેવડ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમની પાસે શ્રેષ્ઠ જીવન વીમાની પણ સુવિધા છે. વડાપ્રધાન મોદી પ્રવાસી ભારતીયો સુધી પહોંચવામાં અને તેમને જોડવામાં સફળ થયા છે.