અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડી રહેલી વંદે ભારતને મળેલી સફળતાને ધ્યાને લઈને વધુ એક વંદે ભારત ટ્રેન આ રૂટ પર શરૂ થનાર છે. આગામી વંદે ભારત ઝડપ બાબતે ખાસ હશે. અમદાવાદ મુંબઈ રૂટ પર વંદે ભારત ઝડપથી મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડશે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચેના રૂટ પર ચાલનારી આ નવી વંદે ભારત તેની ટોપ સ્પીડ સાથે દોડશે એટલે કે આ રૂટ પર આગામી વંદે ભારતની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. જેનો અર્થ એ થયો કે, મુસાફરોને તેમના સ્થળે પહોંચવામાં ઓછો સમય લાગશે. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ અનુસાર, અમદાવાદ-મુંબઈ રૂટ પર નવી વંદે ભારતની ઝડપને લઈને ત્રીજી અને છેલ્લી ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.
નવી વંદે ભારત મુસાફરોનો સમય બચાવશે
નવી વંદે ભારત ટ્રેન સ્પીડ, પેસેન્જર સુવિધાઓ અને સલામતી સુવિધાઓના સંદર્ભમાં અન્ય વંદે ભારત ટ્રેનો કરતાં વધુ સારી હશે. નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા જેવા અન્ય રૂટ પર ચાલતી હાલની વંદે ભારત ટ્રેનોની તુલનામાં આ રૂટ પર ચાલતી વંદે ભારત ઘણી રીતે સારી હશે. અમદાવાદ મુંબઈના રૂટ પર નવી વંદે ભારત ટ્રેન દોડાવવાથી મુસાફરોનો ઓછામાં ઓછો 45 મિનિટનો સમય બચશે.
હાલમાં આ રૂટ પર મુસાફરી કરવામાં અંદાજે 5 કલાક અને 25 મિનિટનો સમય લાગે છે. અમદાવાદ મુંબઈ રૂટ માટે ખાસ તૈયાર કરાયેલા નવા રેક્સ 140 સેકન્ડમાં 160 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પહોચશે.
આટલા સ્ટેશને ઊભી રહે તેવી સંભાવના
જો મીડિયા અહેવાલોનું માનીએ તો, અમદાવાદ મુંબઈ રૂટ પરની અન્ય વંદે ભારત ટ્રેનોની જેમ આ ટ્રેન પણ રવિવાર સિવાય સપ્તાહમાં છ દિવસ દોડી શકે છે. જો કે, રેલવે તરફથી હજુ ઝડપથી દોડનારી નવી વંદે ભારત ટ્રેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટ્રેન નંબર 22962 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ રૂટ પર અમદાવાદથી સવારે 06:10 વાગ્યે ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ ખાતે સવારના જ 11:35 વાગ્યે પહોંચે છે.
આ જ ટ્રેન સવારે 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચતા પહેલા, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહે છે. જ્યારે, ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી બપોરના 15:55 કલાકે ઉપડે છે અને રાત્રે 21:25 કલાકે અમદાવાદ પહોંચે છે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશન પર ઉભી રહે છે.
મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત ક્યારે શરૂ થઈ શકે?
વંદે ભારત ટ્રેનની ઝડપને લઈને ત્રીજી અને અંતિમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂંક સમયમાં આ ટ્રેનની જાહેરાત કરવામાં આવશે. હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ છે. આ સ્થિતિમાં, કોઈપણ નવા પ્રોજેક્ટ, નવી ટ્રેન અથવા નવી યોજનાઓની સત્તાવાર જાહેરાત કરવા સામે કેન્દ્રીય ચૂંટણી પંચનો પ્રતિબંધ હોય છે. જો બધુ બરાબર રહેશે તો અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેન જૂન કે જુલાઈમાં દોડી શકાશે.