ભારતીય મૂળના પાયલોટ ગોપીચંદ થોટાકુરા સહિત છ લોકોએ રવિવારે અંતરિક્ષની યાત્રા કરી હતી. ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટ અને કેપ્સ્યુલ (NS-25) એ તમામ છ અંતરિક્ષયાત્રીઓને લઈને અમેરિકાના પશ્ચિમ ટેક્સાસથી સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સવારે 9:36 કલાકે ઉડાન ભરી હતી. આ સાથે જ ભારતીય મૂળના પાયલોટ ગોપીચંદ થોટાકુરાએ બ્લુ ઓરિજિનના NS-25 મિશનના ભાગરૂપે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય પ્રવાસી બનીને ઈતિહાસ રચ્યો છે. બ્લુ ઓરિજિને તેના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં થોટાકુરા અંતરિક્ષમાં એક નાનો ભારતીય ધ્વજ બતાવતો નજર આવી રહ્યો છે.
Forever changed. #NS25 pic.twitter.com/g0uXLabDe9
— Blue Origin (@blueorigin) May 19, 2024
6 લોકોની આ ટીમમાં અમેરિકાના પ્રથમ અશ્વેત અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ કરવામાં આવેલ 90 વર્ષીય એડ ડ્વિટ પણ સામેલ હતા. તેમણે 60 વર્ષ બાદ અંતરિક્ષની ઉડાન ભરી. અમેરિકી એરફોર્સમાં કેપ્ટન રહી ચૂકેલા એડ ડ્વિટને 1961માં તત્કાલિન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ કર્યા હતા પરંતુ કોઈ કારણોસર તેઓ 1963માં અમેરિકી ઉડાનમાં નહોતા જઈ શક્યા.
અંતરિક્ષ યાત્રીઓમાં ગોપી થોટાકુરા અને એડ ડ્વિટ ઉપરાંત ઉદ્યમી મેસન એન્જેલ, ફ્રેન્ચ લીકર કંપની મોન્ટ-બ્લેન્કના સ્થાપક સિલ્વેન ચિરોન, સોફ્ટવેર એન્જિનિયર અને ઉદ્યમી કેનેથ એલ હેસ અને સેવાનિવૃત્ત એકાઉન્ટન્ટ કેરોલ સ્કોલર સામેલ હતા.
કોણ છે ગોપીચંદ થોટાકુરા?
આંધ્ર પ્રદેશમાં જન્મેલા ગોપીચંદ થોટાકુરાએ અંતરિક્ષની યાત્રા કરીને ઈતિહાસ રચી દીધો છે. તેઓ 1984માં ભારતીય સેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બની ગયા છે. આ સાથે જ તેઓ પ્રથમ ભારતીય અંતરિક્ષ પ્રવાસી પણ બની ગયા છે. ગોપી એક પાયલોટ અને એવિએટર છે. ગોપી ઈન્ટરનેશનલ મેડિકલ જેટ પાઈલટ તરીકે કામ કરી ચૂક્યા છે. આંધ્ર પ્રદેશમાં જન્મેલા થોટાકુરા એમ્બ્રી-રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીથી સ્નાતક છે.