પોલિટિકલ રિસ્ક રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ ઇયાન બ્રેમરે કહ્યું છે કે વર્તમાનમાં વિશ્વમાં ભારત એકમાત્ર સ્થિર દેશ છે. તેમના અંદાજ મુજબ સામાન્ય ચૂંટણીમાં ભાજપને ૩૦૫ બેઠકો મળી શકે છે. ઇયાન બ્રેમરનું માનવું છે કે પાંચ-દશ બેઠકોની વધઘટ સાથે ભાજપને લોકસભા ચૂંટણીમાં ૩૦૫ બેઠકો મળી શકે છે. તેમણે કહ્યું કે, ‘યુરેશિયા ગ્રૂપ દ્વારા થયેલા રિસર્ચ મુજબ ભાજપને ૨૯૫થી ૩૧૫ બેઠકો મળી શકે છે.’ વડાપ્રધાન મોદીને મુદ્દે ઇયાન બ્રેમરે કહ્યું હતુંકે,‘લગભગ નક્કી છે કે આર્થિક મોરચે મજબૂત દેખાવ અને સતત કરેલા સુધારાને પગલે વડાપ્રધાન મોદી વધુ પાંચ વર્ષની મુદત માટે સત્તામાં આવવાના છે. ભાવિ યોજનાઓને મુદ્દે પ્રવર્તી રહેલી સ્થિરતા સાથે સંકળાયેલો મુદ્દો છે.’
એશિયા, યુરેશિયા, યુરોપ, અમેરિકા, મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાના ગ્લોબલ મેક્રો-જિયો- પોલિટિક્સના નિષ્ણાત સમીક્ષકે કહ્યું હતું કે રાજકીય રીતે જે એકમાત્ર સ્થિર બાબત છે તે ભારતીય ચૂંટણીઓ છે. અમેરિકા સહિત અન્ય સ્થાને થનારી ચૂંટણી સહિતની બાકીની તમામ બાબતો
અનિશ્ચિત છે. અમેરિકી ચૂંટણી વિશે તેમણે કહ્યું કે, ‘અમારે ત્યાં ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા ખૂબ જ છે. કંપનીઓ ઇચ્છે છે તે દિશામાં ગ્લોબલાઇ ઝેશનનું ભાવિ નથી જઈ રહ્યું. ગ્લોબલ માર્કેટમાં રાજકારણ ઘૂસી રહ્યું છે. અમેરિકા-ચીન સંબંધો અને અમેરિકી ચૂંટણીઓ તેના ઉદાહરણ છે. તમામ બાબતો યોગ્ય રીતે મેનેજ નથી થઈ રહી. દબાણ વધુ નેગેટિવ છે. ઇયાન બેમરે કહ્યું કે, ‘મને લાગે છે કે આવતા વર્ષ સુધીમાં ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. વર્ષ ૨૦૨૮ સુધીમાં ભારત ટોચના ત્રણ અર્થતંત્રોમાં સામેલ થઈ જશે.’