સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાને મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, પૂર્વ વડાપ્રધાન અને દાદા એચડી દેવગૌડા તરફથી ચેતવણી મળ્યા બાદ પ્રજ્વલ રેવન્ના ભારત પરત ફરશે. મહત્વનું છે કે, પ્રજ્વલ રેવન્ના યૌન શોષણના આરોપોનો સામનો કરી રહ્યો છે. જણાવવામાં આવ્યું છે કે, મ્યુનિકથી બેંગ્લોરની રિટર્ન ફ્લાઈટ ટિકિટ 30મી મેના રોજ બુક થઈ ગઈ છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર JDS સુપ્રીમો એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર 31 મેની સવારે બેંગલુરુ પહોંચે તેવી શક્યતા છે.
SIT સૂત્રોએ જણાવ્યું કે તે, અહીં કેમ્પેગૌડા એરપોર્ટ પર દેખરેખ રાખી રહી છે જેથી તે ઉતરતાની સાથે જ તેની ધરપકડ કરી શકાય. પ્રજ્વલ રેવન્ના હાસન લોકસભા સીટ પરથી NDAના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટક રાજ્ય મહિલા આયોગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વિડીયોની તપાસનો આદેશ આપવા વિનંતી કરી હતી જેમાં તેમણે કથિત રીતે અનેક મહિલાઓની જાતીય સતામણી કરી હતી. આ સમાચાર બહાર આવ્યા બાદ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો હતો.
પ્રજ્વલ રેવન્ના સામે અત્યાર સુધીમાં બે જાતીય સતામણીના કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા તેણે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેણે 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, સાંસદે અગાઉ બે વખત જર્મનીથી તેમની ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી છે. દરમિયાન SITએ મંગળવારે હસન શહેરમાં પ્રજ્વલના ઘરે સર્ચ હાથ ધર્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
પ્રજ્વલના દાદા એચડી દેવગૌડાએ ગયા અઠવાડિયે પત્ર લખીને તેને પરત ફરવા અને તપાસનો સામનો કરવાની અપીલ કરી હતી. 24 મેના રોજ પ્રજ્વલ રેવન્નાને ‘મારી ચેતવણી’ શીર્ષકવાળા પત્રમાં દેવેગૌડાએ લખ્યું હતું કે, આ સમયે હું માત્ર એક જ વસ્તુ કરી શકું છું. હું પ્રજ્વલને કડક ચેતવણી આપી શકું છું અને તે જ્યાં પણ હોય, તેણે ત્યાંથી પરત ફરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ. તેણે પોતાની જાતને કાયદાકીય પ્રક્રિયાને આધીન કરવી જોઈએ. આ કોઈ અપીલ નથી જે હું કરી રહ્યો છું આ એક ચેતવણી છે જે હું જાહેર કરી રહ્યો છું. જો તે આ ચેતવણી પર ધ્યાન નહીં આપે તો તેને મારા અને તેના પરિવારના તમામ સભ્યોના રોષનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે.
આવો જાણીએ શું કહ્યુ પ્રજ્વલ રેવન્નાએ ?
પ્રજવલે પોતાના વીડિયો સંદેશમાં કન્નડમાં કહ્યું હતું કે, સૌથી પહેલા હું મારા માતા-પિતા, દાદા, કુમારાન્ના (કુમારસ્વામી), કર્ણાટકના લોકો અને પાર્ટીના તમામ કાર્યકરોની માફી માંગુ છું કે, મેં વિદેશમાં મારા ઠેકાણા વિશે કોઈને કહ્યું નથી. જ્યારે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો કે કોઈ વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી ન હતી. મારી વિદેશ યાત્રાનો પ્લાન પહેલેથી જ બની ગયો હતો. હું ચૂંટણી પછી ત્યાંથી નીકળી ગયો અને ત્રણ-ચાર દિવસ પછી યુટ્યુબ અને ન્યૂઝ ચેનલો જોતી વખતે મને આ (કેસ) વિશે ખબર પડી. ત્યારબાદ SITએ નોટિસ જાહેર કરી અને મેં મારા એક્સ એકાઉન્ટ અને મારા વકીલ દ્વારા નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય માંગ્યો છે.