ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્વાસ્થ્ય વીમા પર એક સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે, વીમા કંપનીએ રિક્વેસ્ટ આવ્યાના એક કલાકની અંદર જ કેશલેસ સારવારની અનુમતિ આપવા પર નિર્ણય લેવો પડશે. આ સાથે એમ પણ કહેવાયું છે કે, અગાઉ બહાર પાડેલા 55 સર્ક્યુલર રદ કરી દેવામાં આવ્યા છે.
ત્રણ કલાકમાં પેમેન્ટ કરવું
અગાઉ હેલ્થ ઈન્શ્યોરન્સમાં કેશલેસ પેમેન્ટ કરવા માટે ઘણી મુશ્કેલી આવતી. પરંતુ હવે હોસ્પિટલથી ડિસચાર્જ થયાના ત્રણ કલાકમાં જ કેશલેસ પેમેન્ટ થઈ જશે. આ અંગેcના 29 મે 2024ના રોજ જાહેર કરેલા પરિપત્રમાં આદેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વીમા ધારકે રાહ નહીં જોવી પડે. જો ત્રણ કલાકથી વધુ સમય થાય છે, અને તે દરમિયાન હોસ્પિટલ કોઈ એક્સ્ટ્રા ચાર્જ કરે તો તે પૈસા વીમા કંપનીએ ચૂકવવા પડશે.
આ પરિપત્ર વીમાધારકના હિત માટે લાવવામાં આવ્યો છે. જેમાં પોલિસીધારક ઝડપથી દાવો કરી શકે અને તેને સારી સેવા મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, અરજી આવ્યાના એક કલાકમાં નિર્ણય લઈ, ત્રણ કલાકમાં પેમેન્ટનું સેટલમેન્ટ કરવાનું રહેશે.
31 જુલાઈ સુધી પૂર્ણ કરવામાં આવે
ઇમરજન્સીની સ્થિતિમાં પણ રિક્વેસ્ટ મળ્યાના 1 કલાકમાં વીમા કંપનીએ કેશલેસ પેમેન્ટ કરવાનો નિર્ણય લેવો પડશે. પરિપત્રમાં વીમા કંપનીઓને એ પણ આદેશ કરવામાં આવ્યો છે કે, આ કામને 31 જુલાઈ 2024 સુધી પૂર્ણ કરી દેવામાં આવે. બની શકે તો લોકોની સુવિધા માટે હોસ્પિટલમાં આ માટે એક ડેસ્ક પણ બનાવવામાં આવે.
સારવાર વખતે મોત થાય તો?
જો સારવાર દરમિયાન વીમાધારકનું મોત થઈ જાય તો ઈન્શ્યોરન્સ કંપનીએ તરત જ ક્લેમની ચુકવણીની પ્રોસેસ શરૂ કરવાની રહેશે. સાથે મૃતકના મૃતદેહને હોસ્પિટલમાંથી તુરંત બહાર પણ કાઢવાનો રહેશે.