દેશમાં ગયા મહિનાના અંતમાં કેરળમાં ચોમાસુ બેસતા હવે ટૂંક સમયમાં હીટવેવથી છૂટકારો મળશે અને વરસાદ વરસતા વાતાવરણ હળવું થશે તેવી આશાએ આનંદ છવાઈ ગયો હતો, પરંતુ દક્ષિણ ભારતમાં ચોમાસુ બેઠાને ૨૦ દિવસથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં ઉત્તર ભારત અને પૂર્વ ભારતને હીટવેવથી છૂટકારો મળ્યો નથી. ઉનાળો ક્યારે વિદાય લેશે તેની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે જતા જતા હીટવેવથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાક જેટલા સમયમાં બિહારમાં ૨૨ મૃત્યુ સહિત દેશભરમાં ૪૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજીબાજુ ઉત્તર અને પૂર્વ ભારતમાં રાત્રીના સમયે તાપમાનમાં વધારો થવાથી લોકોની હાડમારી વધી છે.
ઉત્તર અને પૂર્વ ભારત મંગળવારે પણ હીટવેવની પક્કડમાં છે, જેના કારણે વીજમાગ વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. અહીં રાત્રીના સમયે પણ તાપમાન ઊંચું રહેવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ અને ઉત્તર મધ્ય પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને જમ્મુ ભાગમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ પ્રવર્તતી હતી. દેશમાં ૧૦થી વધુ વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૪થી ૪૬ ડિગ્રી સે. વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભારતમાં આ વખતે સૌથી ગરમ ઉનાળો અનુભવાયો છે. ઉનાળાની મોસમમાં અનેક હીટવેવમાં લાખો ભારતીયો પરેશાન થઈ ગયા હતા. આ વખતે સમગ્ર દેશના ૪૦ ટકા ભાગમાં હીટવેવના દિવસો બમણા કરતાં વધુ નોંધાયા છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સપ્તાહથી પારો ૫૦ ડિગ્રી સે. નજીક નોંધાયો છે.ઉત્તર ભારતમાં ગરમીની સૌથી વધુ ભયાનક અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે જ્યાં ભીષણ લૂના કારણે કાનપુર સહિત સમગ્ર ગંગા-યમુનાના મેદાની વિસ્તારો અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ ગરમીથી છૂટકારો મળવાના કોઈ આસાર નથી. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ૨૦ જૂન સુધી લૂ અંગે રેડ એલર્ટ જાહેર કરી છે.
હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પ્રદેશનું ઓરાઈ ૪૬.૪ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર હતું. જ્યારે સોમવારે પ્રયાગરાજ ફરી એક વખત પ્રદેશમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન ૪૭.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. આ સિવાય સોમવારે ઝાંસી, સુલતાનપુર, હમીરપુર, ફતેહપુરમાં પણ પારો ૪૭ ડિગ્રીને પાર રહ્યો. બીજીબાજુ કન્નૌજ, વારાણસી, ગૌતમબુદ્ધ નગર, રાયબરેલી, મથુરામાં દિવસે તાપમાન ૪૬ ડિગ્રીથી ઉપર રહ્યું હતું.
દરમિયાન પશ્ચિમ બંગાળ અને બિહારના પૂર્વીય ભાગમાં પણ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વૈજ્ઞાાનિકોએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ, બિહાર તરફ ચોમાસુ આગળ વધવાની સંભાવના હાલ અટકી ગઈ છે. બે દિવસમાં અનેક જિલ્લામાં મહત્તમ તાપમાન સામાન્યથી ચારથી નવ ડિગ્રી વધુ રહ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પણ મંગળવારે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સે. નોંધાયું હતું, જે સરેરાશ કરતાં છ ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જે આ મોસમના સામાન્ય તાપમાનથી છ ડિગ્રી સે. વધુ છે. જોકે, આ તાપમાન ૫૦ ડિગ્રી સે. જેટલી ગરમીનો અનુભવ કરાવતું હતું. મંગળવારે આકાશ સામાન્ય રીતે સાફ રહ્યું હતું અને લૂ સાથે ભયાનક ગરમી પડવા તથા તીવ્ર પવન ફૂંકાયો હતો. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઝારખંડ સહિત દેશના અનેક ભાગમાં તાપમાને વિક્રમ સર્જ્યા છે. ક્યાંક તાપમાન ૪૪ને પાર હતું તો ક્યાંક ૪૭ને પાર જતું રહ્યું હતું. જોકે, હવામાન વિભાગે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.