આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે “સ્વયં અને સમાજ માટે યોગ’’ થીમ આધારીત ૧૦ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આંતરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડા બેટ ખાતે થઈ રહી છે. જેની સાથે રાજ્યના રાજ્યના ૩૧૧ જેટલા સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, આપણા ઋષિમુનિઓએ તથા આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ યોગનું અનેરૂ મહત્વ સમજાવવામાં આવ્યું છે. આપણી આજની વર્તમાન સમયની ભાગદોડવાળી જીવનશૈલીમાં ઉદભવતી આરોગ્યલક્ષી સમસ્યાઓમાંથી આપણે જો છુટકારો મેળવવો હશે તો પ્રત્યેક વ્યક્તિએ યોગને અપનાવવો જ પડશે, તેમ જણાવી નાયબ દંડકશ્રીએ ઉપસ્થિત સર્વેને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા જણાવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભારત વર્ષની વિરાસત સમાં યોગને વિશ્વ ફલક પર પહોચાડવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જે દેશ માટે ગૌરવની બાબત છે. યોગના ફાયદાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, જેમણે પણ યોગને પોતાના જીવનમાં કાયમી સ્થાન આપ્યું છે, તેમનું આરોગ્ય હંમેશા શ્રેષ્ઠ રહે છે.
આ પ્રસંગે મધ્યઝોન કો. ઓર્ડિનેટરશ્રી જ્યનાબેન પાઠક તથા જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી દિવ્યાબેન ધડુક દ્વારા યોગ પ્રશિક્ષકનો કોમન પ્રોટોકૉલનું નિદર્શન કરીને ઉપસ્થિત લોકોને યોગની વિવિધ મુદ્રાઓનું પ્રશિક્ષણ આપ્યું હતું.
આ પ્રસંગે જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા બનાસકાંઠાના નડા બેટ ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગ સંદર્ભનું પ્રવચન ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યું હતું.
સરદાર પટેલ મેમોરિયલ, કરમસદ ખાતે ઉજવાયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર. એસ.દેસાઈ, પ્રાંત અધિકારી મયુર પરમાર, રમત ગમત અધિકારી નટવરભાઈ અસારી, રમત વિકાસ અધિકારી ચિંતન મહેતા, રમતવીરો, એનસીસી કેડેટ્સ, યોગ બોર્ડ, સ્વામી વિવેકાનંદ બોર્ડ, નેહરૂ યુવા કેન્દ્ર તથા જિલ્લાની વિવિધ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૨૫૦૦ જેટલા નગરજનોએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં સહભાગી થયા હતા.