ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. PMએ ગૃહમાં લોકસભા અધ્યક્ષ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને લાલન સિંહ અને રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. આ પછી ઓમ બિરલા ધ્વનિ મત દ્વારા સ્પીકર તરીકે ચૂંટાયા હતા. વિપક્ષ તરફથી કોડીકુનીલ સુરેશને લોકસભા અધ્યક્ષ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
1976 પછી આ પ્રકારનો આ પહેલો પ્રસંગ હતો. કારણ કે સ્વતંત્ર ભારતમાં લોકસભા અધ્યક્ષ પદ માટે 1952, 1967 અને 1976માં એમ માત્ર ત્રણ વખત ચૂંટણી યોજાઇ છે..
લોકસભા અધ્યક્ષ પદની પસંદગીને લઈને સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે કોઈ સહમતિ સધાઈ શકી નથી. જેના કારણે ચૂંટણીનો માહોલ આવી ગયો હતો. સતત ત્રીજી વખત એનડીએ સરકાર બન્યા બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે આ પહેલું શક્તિ પ્રદર્શન હતું.
લોકસભા અધ્યક્ષ પદની ચૂંટણી માટે ધ્વનિ મતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ મતોનું વિભાજન કેમ ન થયું તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. વાસ્તવમાં, વિપક્ષે પોતે મતોના વિભાજનની કોઈ માંગણી કરી ન હતી. આ કારણોસર ઓમ બિરલાને ધ્વનિ મત દ્વારા નવા સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી કે. સુરેશ અંગે રજૂ કરાયેલ પ્રસ્તાવ નિષ્ક્રિય બની ગયો હતો.
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ બેઠકો આપી હતી
ઓમ બિરલા લોકસભા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમને પોતાની સીટ પર લઈ ગયા હતા. એવી પરંપરા રહી છે કે ગૃહના નેતા અને વિપક્ષના નેતા લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટાયેલા સાંસદને તેમની બેઠક પરથી સ્પીકરની ખુરશી સુધી લઈ જાય છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ પણ હાથ મિલાવ્યા હતા.