અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો પણ સામેલ છે. આવી સ્થિતિમાં રામ મંદિરમાં તમામ ભક્તોની સુખ સુવિધાનું વિશેષ ધ્યાન રાખવા માટે ટ્રસ્ટ નવા-નવા નિર્ણયો લેતું રહે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તાજેતરમાં જ રામ મંદિર ટ્રસ્ટ રામલલાના દર્શન કરવા આવતા વૃદ્ધો માટે નવી સુવિધા અંગે નિર્ણય લેવાનું વિચારી રહ્યું છે. રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને ટૂંક સમયમાં પાલખીની સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ સુવિધા શરૂ કરવા અંગે વિચાર કરી રહ્યું છે.
જો કે પાલખી અથવા અન્ય કોઈ માધ્યમની જરૂર અપંગ અને વૃદ્ધ મુલાકાતીઓને જ પડે છે પરંતુ કોઈપણ જરૂરિયાતમંદ ભક્ત પાલખી દ્વારા અવરજવર કરી શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.
રામ જન્મભૂમિ પર ભવ્ય શ્રીરામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો પોતાના આરાધ્યના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. તેમાં કેટલાક ભક્તો એવા પણ હોય છે જેઓ વૃદ્ધાવસ્થા, શારીરિક અક્ષમતા અને અન્ય કારણોસર હરવા-ફરવામાં અસમર્થ હોય છે. આવા ભક્તોને મંદિરમાં સુધી લઈ જવા માટે ટ્રસ્ટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરી રાખી છે પરંતુ તે વધુ વજનવાળા અથવા શારીરિક રીતે અક્ષમ દર્શનાર્થીઓ માટે અપૂરતી સાબિત થઈ રહી છે. જે ભક્તો બેસવામાં અસમર્થ છે તેમને તેમાં જવામાં અસુવિધા થાય છે.
પાલખી અંગે હજું કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો
આવી સ્થિતિમાં ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ આગામી દિવસોમાં પાલખીની સુવિધા શરૂ કરવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રએ કહ્યું કે, હજુ પાલખી અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ભવિષ્યમાં વ્યવસ્થા ચોક્કસપણે વધુ મજબૂત કરવામાં આવશે.