અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા અનેક વિદ્યાર્થીઓને ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈ, 2024થી અમલી બને તે રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની વિઝા ફીમાં 125 ટકાનો જંગી વધારો ઝિંક્યો છે. આ વધારાને પગલે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે વિઝા મેળવવા માટે 710 ડોલરને બદલે 1,600 ડોલરની રકમ ચૂકવવી પડશે.
ઓસ્ટ્રેલિયન માઈગ્રેશન સ્ટ્રેટેજી અંતર્ગત, ટેમ્પરરી સ્કિલલ્ડ માઈગ્રેશન ઈન્કમ થ્રેશહોલ્ડ (ટીએસએમઆઈટી) પણ 70,000 ડોલરથી વધારીને 73,510 ડોલર કરાઈ છે.
ઓસ્ટ્રેલિયાના સ્કીલ્સ એન્ડ ટ્રેઈનિંગ વિભાગના મંત્રી બ્રેન્ડન ઓકોનોરના જણાવ્યાં અનુસાર, ઓસ્ટ્રેલિયાના વૈશ્વિક સ્તરના શિક્ષણનો લાભ લેવા દર વર્ષે દુનિયાભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો અયોગ્ય લાભ લેવા ઈચ્છતા લોકોને દૂર કરી અભ્યાસ માટેનું સાનુકૂળ વાતાવરણ રચવા માગીએ છીએ.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીઝના સીઈઓ લ્યુક શીહીએ સરકારના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ મામલે સતત કરાઈ રહેલા નીતિગત દબાણને કારણે દેશની આર્થિક સ્થિતિ પર અસર થશે. આ નિર્ણય દેશની અર્થવ્યવસ્થા અને યુનિવર્સિટીઝ માટે પ્રતિકૂળ પુરવાર થશે, કારણે સરકાર અને યુનિવર્સિટીઝ બંને ઘણે અંશે વિદેશી વિદ્યાર્થીઓની ફી પર નિર્ભર છે.