કપડવંજમાં પરંપરાગત રીતે અત્રેના સુપ્રસિધ્ધ અને નગરદેવ શ્રી નારાયણદેવ મંદિરમાંથી પ્રતિવર્ષની જેમ ભગવાન લલ્લાની બીજના બદલે દેવપ્રિય પુષ્ય નક્ષત્રમાં શ્રી નારાયણની નગરયાત્રા રથયાત્રા યોજાય છે. દાદા ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે આ પરંપરા છેલ્લા ૨૩૧ વર્ષથી યોજાય છે.૨૩૨મી રથયાત્રા મંદિરના વડપણ હેઠળ ઉત્સવ સમિતિની રાહબારી હેઠળ નગરના સર્વ સમાજના સાથ સહકારથી કાઢવામાં આવી હતી.
રથયાત્રાના પર્વ નિમિત્તે નિજ મંદિરમાં મંદિરના વારાદારી સેવક વિમલ વિજયભાઈ જોષી તથા પૂજારી મંડળ દ્વારા કપડવંજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દિવ્યેશ વ્યાસ, ટાઉન પી.આઈ. જનકસિંહ દેવડા,પી.એસ.આઈ ગેલોત તથા ડી.કે રાઠોડ, મયુર શર્મા વગેરેએ નિશાન પૂજાનું વિધિવત મુહુર્ત કરી ધાર્મિક પુજન- અર્ચન સાથે ભગવાનની શોભાયાત્રા નગરના વિવિધ રાજ માર્ગો ઉપર નીકળી હતી.જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે નારાયણની ભવ્ય રથયાત્રા અત્રેના સુપ્રસિધ્ધ નાના રામજીમંદિર, મોટા રામજી મંદિર અને રાધા-કૃષ્ણના મંદિરોમાં રથયાત્રાનું ધાર્મિક પુજન અને આરતી ઉતારી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે નગરજનોએ રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરી પરંપરાગત જાંબુ- મગ-કેરી-કાકડીનો પ્રસાદ માંણ્યો હતો.રથયાત્રામાં ભક્તજનો તથા નગરજનો જોડાયા હતાં.નગરના રાજમાર્ગો ઉપર નગરજનોએ શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક રથયાત્રાના વધામણાં કર્યા હતા. નિજ મંદિરથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાપડ બજાર,હોળી ચકલા, લાંબીશેરી,બત્રીસ કોઠાની વાવ, ગાંધીબાવલા, ટાઉન હોલથી કુબેરજી મહાદેવમાં વિસામો કરી પુજન- અર્ચન બાદ પુનઃ મીના બજાર,સુથારવાડા, કુંડવાવ, ગાંધીચોકથી પ્રસ્થાન થઈ યથા સ્થાને નીજ મંદિરમાં પરત ફરવા નીકળી હતી. કપડવંજ રેવન્યુ તથા પોલીસતંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચોકસાઈ રાખવામાં આવી હતી. રથયાત્રામાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ અને કોઈ વિધ્ન ન આવે તે માટે રથયાત્રા અગાઉના દિવસે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ અને આયોજકો સાથે બેઠક પર કરવામાં આવી હતી
ડાકોરના ઠાકોરની જેમ કપડવંજમાં પણ રાજા રણછોડરાયનું મહત્વ છે.સામાન્ય દિવસોમાં દેશ- વિદેશમાંથી ભાવિક ભક્તો શ્રી નારાયણદેવ દાદાને દર્શને આવતા હોય છે.પણ દેવ પ્રિય પુષ્ય નક્ષત્રનો આ એક જ દિવસ છે જ્યાં ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે અને તેથી ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ રહેતો હોય છે.રથયાત્રા દરમ્યાન ભાવિક ભક્તો અને શ્રીજીના સેવકો લાલજી મહારાજનું પૂજન અને આરતી કરી ભોગ ધરાવી આશીર્વાદ મેળવે છે.શ્રી નારાયણદેવ દાદા આ દિવસે વિશેષ ભોગ આરોગે છે. જેમાં ફણગાવેલા મગ (વૈઢા), કેરી, જાંબુ અને શિરોના પ્રસાદનો સમાવેશ થાય છે.
રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )