એજબેસ્ટનમાં 13મી જુલાઈના રોજ ભારતીય ચેમ્પિયન્સ કટ્ટર હરીફ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ટકરાશે. આ સાથે જ લિજેન્ડ્સની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જબરદસ્ત ટક્કર થશે. 2007ના T20 વર્લ્ડ કપની જેમ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે શનિવારની રાત્રે ટક્કર જામશે. આ મહાજંગને લઈ ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે.
આ માત્ર ક્રિકેટ મેચ નથી. આ કૌશલ્ય, જુસ્સો અને ઇતિહાસની જબરદસ્ત ટક્કર થનારી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની ટક્કર હોય એ જબરદસ્ત જ હોય છે. ઇતિહાસમાં અનેક યાદગાર મેચની રમત માણી છે, જેમાં ચાહકોને દાયકાઓથી રોમાંચીત કર્યા છે. 2007 T20 વર્લ્ડ કપથી લઈને 2011 અને 2019 ODI વર્લ્ડ કપમાં હાઈવોલ્ટેજ રમતો સુધી, આ બંને ટીમોએ ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત થવા માટે અસંખ્ય ક્ષણો આપી છે.
જામશે મહાજંગ
યુવરાજ સિંહ, સુરેશ રૈના અને પઠાણ ભાઈઓ જેવા સ્ટાર અને જુસ્સાદાર ખેલાડીઓથી ભરેલી છે ભારતીય ટીમ, જે ખેલાડીઓ અનુભવ અને આક્રમક જુસ્સાનું મિશ્રણ ધરાવે છે. રોબિન ઉથપ્પાની આક્રમક અને ચપળતા પણ સામેલ છે.
બીજી તરફ, પાકિસ્તાનની ટીમ યુનુસ ખાન, શાહિદ આફ્રિદી અને શોએબ મલિક જેવા દિગ્ગજ ખેલાડીઓ ધરાવે છે. જેઓ તેમની મેચ પલટવાની ક્ષમતાઓ માટે જાણીતા છે અને તેઓ તેમના પરાક્રમનું પ્રદર્શન કરવા આતુર હશે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ચાહકોને રોમાંચનો અનુભવ થવા પામ્યો છે, ફાઇનલ મેચ આવી જ જબરદસ્ત રોમાંચનો અનુભવ કરાવશે.
ક્યાં અને ક્યારે શરુ થશે મેચ, જાણો
ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે શરૂ થશે અને તેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. જેમાં ફીનકોડ પર ડિજિટલ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ છે. જેમ જેમ ક્રિકેટ વિશ્વ આ મહાજંગ માટે તૈયારી કરી રહ્યું છે. સરહદની બંને બાજુએ અને વિશ્વભરના ચાહકો એક અવિસ્મરણીય ક્રિકેટ એક્શનની રાત માટે તૈયાર છે.
ટૂર્નામેન્ટની સફર
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લીગ ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટરો રમતા હતા. આ લીગની ટોચની ચાર ટીમો એટલે કે ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝે સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. બંને સેમિફાઇનલ મેચ 12 જુલાઈના રોજ રમાઈ હતી. પ્રથમ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.