શૈશવ હોસ્પિટલ નડિયાદ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરમ કેસ દાખલ થવા અંગેની માહિતી જીલ્લા આરોગ્ય તંત્રને મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વસ્તી ગણતરી કરી અને અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લઈ તાવના કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં હાલ ફક્ત એક દાખલ દર્દી હોવાનું માલુમ પડ્યું હતું. તથા જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પુરાવવાની, કાચા મકાનોની દિવાલોની ફકત ધાર ઉપર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ અને ઢોર-કોઠારની ધાર પર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.દાસલવાડા અને આસપાસના 10 કિમીના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દવા છંટકાવ સહિતના તકેદારીના પગલાં પણ ભરાઈ રહ્યા છે.
અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ એન.આઈ.વી.-પુણે ખાતે પોઝીટીવની ખાત્રી કરવા મોકલી આપવામાં આવેલ છે. તથા અસરગ્રસ્ત વિસ્તારમાંથી 2 ગાય, 3 ભેસ, 2 વાછરડા,3 બકરી એમ કુલ 10 જાનવરોના લોહીના સેમ્પલ ચકાસણી અર્થે એન.આઇ.વી-પુણે ખાતે મોકલવામાં આવ્યું હતું.
આ એક એવો ખતરનાક વાઈરસ છે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂનાં લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતાં બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાઈરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાઈરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈરસ 14 વર્ષ કરતાં નાનાં બાળકોને પોતાનો શિકાર બનાવે છે.
આ વાઈરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાઈરસ ફેલાય છે.
કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઇએ સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે, જેથી સાવચેતીના ભાગરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પૂરી દેવી જોઇએ. આ ઉપરાંત બાળકને આખાં કપડાં પહેરાવવાં પણ જરૂરી બની જાય છે અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચાંદીપુરમ માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી એના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.
માખથી પાંચ ગણી નાની સેન્ડ ફ્લાયથી થતો રોગ ચાંદીપુરમ વાઇરસનો ફેલાવો સેન્ડ ફ્લાયથી થાય છે. આ માખ સામાન્ય માખથી 5 ગણી નાની હોય છે, પણ ઘરે ઊડતી માખ જેવી જ દેખાય છે. આ માખની બીજી ખાસિયત એ છે કે ઇંડાંમાંથી કોશેટામાંથી માખમાં ફેરવાયા બાદ માંડ 5 ફૂટ જ દૂર જાય છે. આ માખ સૌથી વધુ ઇંડાં કાચાં મકાનોની તિરાડમાં આપે છે, તેથી સેન્ડ ફ્લાયનાં ઇંડાનો નાશ કરવા માટે મેલેથિન પાઉડરનો દીવાલોની તિરાડોમાં વધુ છંટકાવ કરવો જાઈએ.