સહકાર, ઉદ્યોગ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ શિહોર ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
શિહોર સ્થિત સર્વોત્તમ ડેરી ખાતે ખાતે આયોજિત બેઠકમાં સહકાર રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરાશે.
વધુમાં તેમણે કહ્યું કે, સહકારથી સમૃદ્ધિના વિઝન થકી વેપારીઓ, મંડળીના સભાસદો તેમજ ખેડૂતોની આવક બમણી થશે તેમજ ૧૭ જેટલી સેવાઓનો સરળતાથી લાભ મેળવી શકશે. આ વિઝન થકી ગામન પૈસા ગામમાં જ રહેશે.રાજ્યના દરેક ગામોમાં માઈક્રો એટીએમ આપવામાં આવશે જેથી નાગરિકો સરળતાથી પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપાડી શકશે. બેક મિત્ર યોજના થકી યુવાનોને ઘર આગણે જ રોજગારી મળી રહેશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ભાવનગર જિલ્લામાં તમામ સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના તમામસભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત્ત કરવા અને જોડવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલને તાલુકા અને ગામ્યકક્ષાએ અભિયાનના રૂપમાં લઈ જવા મંત્રીશ્રીએ માર્ગદર્શિત કર્યા હતાં.
બેઠકમાં સહકાર વિભાગના સચિવ શ્રી સંદિપ કુમાર, જી. એસ. સી બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, અમુલના ચેરમેનશ્રી શામળભાઈ પટેલે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાયલટ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% ના વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવું, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં ખાતા ખોલાવી સહકારી બેંકોની સેવાઓ અને લોન મેળવે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી.
પાયલોટ પ્રોજેકટ એક્શન પ્લાનમાં જિલ્લા સહકારી બેંકો અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના અધિકારીઓ દ્વારા તમામ ગામોમાં PACS અને દૂધ મંડળીઓના સભ્યો સાથે તેમની જરૂરિયાતો અને હાલના તફાવતને ઓળખવા માટે સંયુક્ત બેઠકા આયોજિત કરવામાં આવે.જિલ્લાઓમાં ATM, માઇક્રો ATM, RuPay કિસાન કાર્ડ અને RuPay ડેબિટ કાર્ડ માટેની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવે તેમજ બેંક મિત્ર (BC – Banking Correspondent) તરીકે PACS/ દૂધ મંડળીઓની નિમણૂંક કરીને ગ્રામીણ લોકોને પાયાની બેંકિંગ સેવાઓ જેમ કે રોકડ જમા/ ઉપાડ, ખાતું ખોલવું, FD બુર્કિંગ, લોનની ચુકવણી વગેરેનો લાભ પૂરા પાડવા અને બેંક મિત્રને વ્યવહાર દીઠ કમિશન પૂરું પાડી તેની આવક વધારી પ્રોત્સાહિત કરવાએ મુખ્ય છે.