પંથકમાં ચાલુ વર્ષે માંડ 5 ઈંચ વરસાદ, નદીઓ અને તળાવો સૂકા ભઠૃ
દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસતા મેઘરાજા કપડવંજથી નારાજ થયા હોય તેમ જણાઈ રહ્યું છે.છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી સાથે વરસાદી વાતાવરણની સિસ્ટમનું સર્જન તો થાય છે પણ વરસાદનું આગમન થતું નથી. જેના કારણે ખેડૂતો સાથે વેપારીઓ અને પ્રજાજનોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખેતર ખેડીને બિયારણ નાંખેલ ખેડૂતોનું બિયારણ ફેલ જવાની તૈયારીમાં છે
કપડવંજ પંથકમાં ખેતીનું પ્રમાણ મોટું હોવાથી જો વરસાદ સારો ન રહે અને ધાર્યા મુજબની ખેતી ન થાય અને પાક નિષ્ફળ જાય તો તેની અસર બજારની વિવિધ ખરીદી પર પણ પડે છે જેથી ખેડૂતોની સાથે વેપારી આલમમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
કપડવંજ તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે જેને પગલે તાલુકામાંથી પસાર થતી નદીઓ અને તળાવોમાં નવા નીર આવ્યા નથી જેથી નદીઓ કોરીધાકર સૂકી દેખાઈ રહી છે. ઉપરાંત ભેજનું પ્રમાણ વધતાં બફારો થતાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક ખેડૂતો સારા વરસાદની આશાએ ખેતર ખેડીને તૈયાર કરીને બેઠા છે જેઓનું બિયારણ ફેલ જવાની અણી પર છે.
ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં સૌથી ઓછો વરસાદ કપડવંજ તાલુકામાં ચાલુ વર્ષે વરસ્યો છે. કપડવંજ તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસામાં માંડ 5 ઇંચ વરસાદ વરસ્યો છે જેને ગત વર્ષની સરખામણી કરતા પણ તાલુકામાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. તાલુકામાંથી પસાર થતી મુખ્ય નદીઓ જેવી કે વાત્રક, વરાંસી અને મહોર નદીઓમાં નવા નીર આવ્યા નથી જેને પરિણામે નદીઓ કોરીધાકોર નજરે પડી રહી છે. પંથકનું સૌથી મોટું સાવલી તળાવ પણ ખાલીખમ છે.ચાલુ વર્ષે ચોમાસામાં કપડવંજમાં જરૂરિયાત મુજબનો વરસાદ નહીં વરસતા પંથકમાં આવનારા સમયમાં જળસંકટ ઊભું થશે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. ખેડૂતોમાં ચિંતા વર્તાઈ રહી છે. તાલુકાના તળાવો પણ હજુ ખાલીખમ છે. આવનારા સમયમાં કપડવંજ પંથકમાં મેઘરાજા મહેરબાન થાય તેવી આશાઓ તાલુકાના રહીશો રાખી રહ્યા છે. કપડવંજ પંથકમાં વાવણી લાયક વરસાદ પણ નહીં નોંધાતા ખેડૂતોએ બોરવેલ તેમજ પાણીની ટેન્કરોથી ખેતરોમાં રહેલા પાકને બચાવવા માટે પાણી આપી રહ્યા છે. પંથકમાં સારો વરસાદ થાય તો બોરવેલના જળના તળ પણ ઊંચા આવી શકે છે. હાલ તો ચાલુ ચોમાસામાં નહીવત વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.