કપડવંજ તાલુકાના વઘાસ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર રખડતાં કુતરાઓએ હુમલો કરતાં સારવાર બાદ મોરનું મોત નીપજ્યું હતું. રખડતાં કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને રાષ્ટ્રીય પક્ષીનું આમ કરુણ મોત થતા પક્ષી પ્રેમીઓમાં આઘાતની લાગણી પ્રવર્તી છે.
વઘાસ ગામની સીમમાં પોતાની મસ્તીમાં ટહેલતાં મોર ઉપર રખડતાં કુતરાએ હુમલો કરી પકડી લઈ બચકા ભરી ગંભીર રૂપે ઘાયલ ક્યોં હતો. સ્થાનિક રહીશ કૌશિકભાઇ ખડાયતાને જાણ થતાં તેઓએ રાષ્ટ્રીય પક્ષી મોરને રખડતાં કુતરાઓની ચુંગાલમાંથી બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલ રાષ્ટ્રીય પક્ષી મોરને સારવાર અર્થે ખસેડવા માટે કપડવંજ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિનલ પટેલે તાબડતોબ ટીમને મોકલી આપી ઇજાગ્રસ્ત થયેલ રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક સારવાર અર્થે કપડવંજ પશુ દવાખાના ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મોરનું સારવાર દરમિયાન નિધન થયું હતું. રાષ્ટ્રીય પક્ષી મોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવાગામ નર્સરી ખાતે મોરને રાષ્ટ્રીય સન્માનપૂર્વક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.