હરિયાણાના અંબાલાના સાંસદ રતનલાલ કટારિયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. ચંદીગઢમાં મૃત્યુ બાદ તેમના મૃતદેહને પંચકુલામાં લાવવામાં આવ્યો હતો. આજે બપોરે મણિમાજરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રતન લાલ કટારિયા છેલ્લા એક મહિનાથી બીમાર હતા અને તેમને ચંદીગઢ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રતન લાલ કટારિયાનો જન્મ 19 ડિસેમ્બર, 1951ના રોજ યમુના નગરના સંધલી ગામમાં થયો હતો. તેઓ પંચકુલાના મનસા દેવી કોમ્પ્લેક્સમાં રહેતા હતા. કેન્ટોનમેન્ટની એસડી કોલેજમાંથી બીએ ઓનર્સ કર્યા બાદ કેયુકેમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું અને પછી ત્યાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.
રતનલાલ કટારિયાને રાષ્ટ્રીય ગીતો ગાવાનો, કવિતાઓ લખવાનો અને સારા પુસ્તકો વાંચવાનો શોખ હતો. પિતા જ્યોતિ રામ અને માતા પરિવારી દેવીના પુત્ર, રતન લાલ કટારિયાના પરિવારમાં પત્ની બંતો કટારિયા ઉપરાંત એક પુત્ર અને બે પુત્રીઓ છે.
રતનલાલ કટારિયાને 1980માં BJYMના રાજ્ય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ બાદ તેઓ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા, રાજ્ય મંત્રી, અનુસૂચિત જાતિ મોરચાના અખિલ ભારતીય મહામંત્રી, ભાજપના રાષ્ટ્રીય મંત્રીની સફર બાદ જૂન 2001થી સપ્ટેમ્બર 2003 સુધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1987-1990માં રાજ્ય સરકારના સંસદીય સચિવ અને હરિજન કલ્યાણ નિગમના અધ્યક્ષ બન્યા હતા.
તેઓ જૂન 1997થી જૂન 1999 સુધી હરિયાણા વેરહાઉસિંગના અધ્યક્ષ હતા. રતનલાલ કટારિયા 6 ઓક્ટોબર 1999ના રોજ અંબાલાથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે તેઓ એક જ બેઠક પરથી રાજ્યસભાના સાંસદ કુમારી સેલજા સામે સતત બે વખત હારી ગયા હતા. તેમણે વર્ષ 2014ની ચૂંટણીમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો.
સીએમ મનોહર લાલે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટર પર લખ્યુ હતું કે પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને અંબાલાના સાંસદ રતનલાલ કટારિયાના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. સમાજના હિત અને હરિયાણાના લોકોની પ્રગતિ માટે તેમણે હંમેશા સંસદમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.
તેમની વિદાય એ રાજનીતિ માટે ન પુરી શકાય તેવી ખોટ છે. ભગવાન દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.